વડોદરા: વડોદરા શહેરમાં વધુ એક લૂંટ વીથ મર્ડરની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. શહેરના સુસેન તરસાલી રીંગ રોડ ઉપર આવેલી ભાઇલાલ પાર્ક સોસાયટીમાં છેલ્લાં ઘણા સમયથી એકલા રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં લૂંટારૂ ત્રાટક્યા હતાં. લૂંટારૂઓએ ઘરમાં એકલા રહેલા વૃદ્ધા 70 વર્ષીય સુખજીત કૌરની ગળાના ભાગે ચાકુ મારી નિર્મમ હત્યા કરી વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટી અને ગળામાંથી ચેઈન લૂંટીને ફરાર થઈ ગયાં હતાં. વૃદ્ધાના પતિ હરવિંદરસિંહ તેમના નિત્યક્રમ મૂજબ સવારે ચાર વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક માટે ઘરેથી નિકળ્યા હતા. જ્યારે તેઓ પરત આવ્યો તો તેમની પત્નીની લોહીથી લથબથ લાશ જોઈ હતી.
![70 વર્ષીય મૃતક સુખજીત કૌર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-05-2024/gj-vdr-rul-02-vadodara-lootwithmadder-video-story-gj10080_19052024225043_1905f_1716139243_295.jpg)
હરવિંદરસિંહે ઘરે પરત ફરતા આ તેમણે પોતાની પત્નીની લોહીથી લથબથ લાશ જોઈ હતી આ દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી પડી હતી અને તેમણે બુમરાણ મચાવી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને 108 બોલાવી તાત્કાલીક વૃદ્ધાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે, ફરજ પરના તબીબોએ વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતાં. સમગ્ર બનાવને પગલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી.
![વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-05-2024/gj-vdr-rul-02-vadodara-lootwithmadder-video-story-gj10080_19052024225043_1905f_1716139243_77.jpg)
ડીસીપી ઝોન-3 લીના પાટીલે જણાવ્યું હતું કે, વહેલી સવારે સુખજિત કૌર નામના 70 વર્ષીય વૃદ્ધા સાથે લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જે અંતર્ગત ભાઇલાલ પાર્ક સોસાયટીમાં જે તરસાલી રોડ ઉપર આવેલી છે. અહીં સિનિયર સિટીઝન હરવિંદરસિંહ અને તેમના પત્ની સુખજિત કૌર બન્ને પતિ-પત્ની એકલા રહેતા હતાં અને તેમના બાળકો બહાર રહે છે. જેમાં સવારે 4.30 થી 5.00 કલાકની વચ્ચે વૃદ્ધાની હત્યાની જાણ પોલીસને થઈ હતી. જેને લઇને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતીની પાડોશમાં જ રહેતા મહિલાના પહેલા પતિના દીકરાએ આ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. આ બનાવમાં વૃદ્ધાના ગળા ઉપર ચપ્પુનો ખુબ જ ઊંડો ઘા મારીને ગળાની ચેન અને કાનની બુટ્ટીની લૂંટ કરી હતી. આ ગંભીર ઘટનાની નોંધ લઈને પોલીસ અલગ-અલગ ટીમો બનાવી હતી. જે ટીમો દ્વારા એરીયા વહેંચી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ ટોલનાકા સુધી તપાસ કરવામાં આવી હતી.
મૃતકની બાજુમાં રહેતા વિશાલ દિપકભાઈ સરોજ 19 વર્ષની ઉંમરનો છે અને અવાર નવાર આવીને મદદ કરતો રહેતો હતો. જેને સવારે આવીને પહેલા લાઈટ કનેકશનની સ્વીચ પાડી દીધી હતી. અંધારૂ થયા બાદ ઘરમાં ચાલતુ એસીબંધ થતા વૃદ્ધા બહાર આવ્યા હતાં. તે દરમિયાન વિશાલે અંધારાનો લાભ લઈ ગળે ચપ્પુ મારીને વૃદ્ધાની હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ હત્યા બાદ વિશાલ પેટ્રોલપંપ જઈને તેના મિત્રને બોલાવી તેની મદદથી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં હાલમાં એક આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરીને મુદ્દામાલ કબજે લીધો છે. આરોપી વિશાલ 14 તારીખથી તેના ઘરેથી તેના પિતાના એટીએમ કાર્ડ, બેંકના કાર્ડ અને અલગ-અલગ કાર્ડ લઈને ઘરેથી ચાલી નિકળ્યો હતો. જે મિસિંગની ફરિયાદ પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વિશાલના સ્ટેપફાધર ઉપર પણ 16 ગુના નોંઘાયેલા છે, જેમાં એક હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે.