રાજકોટ: શહેરના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજકોટથી ચોરી કરીને રાજસ્થાન ભાગી છુટેલી ટોળકીને ક્રાઈમ બ્રાંચ, LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસે ઝડપી લઈ રૂ.7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
2 શખ્સો રાજકોટથી રાજસ્થાન પહોચ્યા: ચોરી કરીને ભાગેલી આ ત્રિપુટીમાંથી 2 શખ્સો રાજકોટથી બાઈક લઈને રાજસ્થાન પહોંચ્યા હતાં. અન્ય શખ્સ ટ્રાવેલ્સમાંથી સિરોહી પહોંચ્યો હતો. પોલીસે રૂ. 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય 1.50 લાખની મત્તા આ ત્રિપુટીએ અમદાવાદ રહેતા તેના મિત્રને સાચવવા આપી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
રાજકોટમાં 3 શખ્સોએ ચોરી કરી: બનાવની મળતી વિગત મુજબ રાજકોટના પંચાયતનગર શેરી નં.2માં રહેતા કમલેશ મહેતાના મકાનમાં ગત તારીખ 30 ઓગસ્ટના રોજ તસ્કરો ત્રાટકયા હતાં. ચોરોએ કુલ રૂ. 9.06 લાખની મત્તા ચોરી ગયા હતાં. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ અને LCB ઝોન-2ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા હોય જેમાં 3 શકમંદો કેદ થયા હતાં.
મુખ્ય આરોપી રાજકોટમાં રહેતો હતો: આ ચોરીમાં સંડોવાયેલા રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી રહેતા મૂળ રાજસ્થાનના અગ્રારામ વરજોંગારામ ચૌધરી અને તેની સાથે કમલેશ ફુલારામ માલી અને અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણની રાજસ્થાનના સિરોહીથી ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો રાજકોટનાં સહકાર સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતાં હતાં. જેમાં સુત્રધાર અગ્રારામ છેલ્લા 12 વર્ષથી રાજકોટ રહેતો હવાથી તે રાજકોટના રસ્તાઓથી પરીચિત હતો.
સીસીટીવીથી બચવા ગલીઓનો ઉપયોગ કર્યો: 3 આરોપીએ ચોરી કરવાનો પ્લાન કરીને તેના મિત્રો કમલેશ અને અરવિંદને રાજસ્થાનથી બોલાવીને 3 આરોપીએ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. સીસીટીવી કેમેરાથી બચવા શેરી ગલ્લીનો ઉપયોગ કર્યો હતો. ચોરી કરીને અગ્રારામ અને અરવિંદ બન્ને રાજસ્થાન પાર્સિંગના બાઈક ઉપર રાજકોટથી ભાગી છુટ્યા હતાં.
પોલીસે ત્રિપુટી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો: અમદાવાદ હાઈવે થઈ તેઓ બાઈક ઉપર જ રાજસ્થાન પહોંચ્યા હતાં અને જ્યારે ત્રીજો શખ્સ કમલેશ ટ્રાવેલ્સમાં સિરોહી પહોંચ્યો હતો. આ ત્રિપુટી પાસેથી 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે રૂ.1.55 લાખનો મુદ્દામાલ અમદાવાદના તેના મિત્રને આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: