સુરત : મોટા વરાછા સ્થિત ગોપીન ગામમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહ બાદ સવારથી જ માહોલ ગરમાયો હતો. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી બાદ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિરોધની આશંકા વ્યક્ત કરાઈ હતી.
કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર : સાંજના સુમારે રૂપાલાના કાર્યક્રમ પૂર્વે વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થા તથા સંગઠનના કાર્યકરોએ રૂપાલાના રૂટ પર કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધની આશંકા વચ્ચે કાર્યવાહી : સુરતમાં યોજાયેલા પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે એવી શક્યતાના આધારે કાર્યક્રમ સ્થળે પહેલાથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુરતના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પર સવારથી જ વોચ રાખવામાં આવી હતી. સાંજે ગોપીન ગામમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં રૂપાલા જે રૂટ પરથી કાર્યક્રમ સ્થળે જવાના હતા ત્યાં સુરત રાજપૂત કરણી સેના અને અન્ય સંસ્થાના આગેવાનો અને કાર્યકરોએ પહોંચ્યા હતા. ઉપરાંત કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત : પોલીસે વિરોધકર્તાઓના રોષને પારખી લેતા તેમની અટકાયત કરી હતી. જેમાં સુરત રાજપૂત કરણી સેનાના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, મહામંત્રી કિશોરસિંહ ડાભી, શંભુસિંહ દરબાર, અંકિતસિંહ, રાજભા, મુકેશસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને કાર્યકરો સામેલ હતા. પોલીસે સાંજે 6 વાગ્યા સુધીમાં 21 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, અન્ય સ્થળે વિરોધને જોતા બાદમાં આંકડો વધ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સિવાય વિરોધ પ્રદર્શનની ચીમકી આપનાર દલિત સમાજના કેટલાક આગેવાનોની પણ અટકાયત કરાઈ હતી.