અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ સમયાંતરે વિવિધ ખાનગી હોસ્પિટલોમાં PMJAY હેઠળ ગેરરીતિ સામે આવી રહી છે. થોડા સમય પહેલા શહેરની બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલ બાદ હવે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી શેલ્બી હોસ્પિટલ ચર્ચામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના: સમગ્ર ઘટના કંઈક એવી છે કે 11 નવેમ્બર 2024 ના રોજ ઘોહાભાઈ ખંભેલા નામના 62 વર્ષના દર્દીને નરોડા ખાતે આવેલી શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી ધુમ્રપાન કરવાથી બંને પગની નશો બંધ થતાં પગમાં લોહી પહોંચતું ન હતું, તેથી ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી. ઓપરેશન બાદ કિડનીનો વાંધો તથા બીપી ઘટી જતા હૃદય બંધ થવાની તકલીફ દર્દીને પડી હતી અને થોડા દિવસો બાદ હોસ્પિટલમાં જ દર્દીનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોના આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું છે.
પરિવારજનોના આક્ષેપોનું શેલ્બી હોસ્પિટલ દ્વારા ખંડન કરવામાં આવ્યું: મૃતકના પરિવાર દ્વારા લગાવાયેલા તમામ આક્ષેપોનું ખંડન કરતાં સમગ્ર એક મહિના દરમિયાન થયેલી ટ્રીટમેન્ટની વિગતે માહિતી આપતા શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડૉ. દુષ્યંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'દર્દીની પરિસ્થિતિ ગંભીર હોવાથી એક મહિનાની સારવાર બાદ તેમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા.'
સમગ્ર ઘટનામાં PMJAY ક્યાં આવ્યું ?: આ સમગ્ર ઘટનામાં PMJAY હેઠળ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારજનોના જણાવ્યા મુજબ 2,10,000 જેટલી રકમ PMJAY કાર્ડ હેઠળ વસૂલવામાં આવી હતી. પરંતુ તે ઓપરેશન બાદ જ્યારે દર્દીને અન્ય કિડનીનો પ્રોબ્લેમ જણાયો ત્યારે હોસ્પિટલ દ્વારા કિડનીનો ઈલાજ PMJAY કાર્ડ હેઠળ કરવાની ના પાડી દેવામાં આવી હતી. અને તે અંગેના ઈલાજ માટે સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે બાબતને હોસ્પિટલ તંત્ર દ્વારા નકારી દેવામાં આવી છે.
દિવસમાં બે વાર દર્દીની તબિયત વિશે પરિવારજનોની માહિતી આપવામાં આવતી હતી: વધુમાં ડોક્ટર દુષ્યંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,'અચૂક પણે દિવસમાં બે વખત દર્દીની પરિસ્થિતિ વિશે વિગતવાર પરિવારજનોને માહિતી આપવામાં આવતી હતી અને મૃતક જાહેર કર્યા બાદ પણ વિગતવાર સમીક્ષા લેખિતમાં આપી. પોલીસની હાજરીમાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.'
દર્દીની તબિયત સતત બગડતી: બીજી તરફ પરિવારજનો એવો આક્ષેપ લગાડી રહ્યા છે કે મૃતક ઘોહાભાઈ એકદમ સ્વસ્થ હતા. માત્ર વ્યસનના કારણે પગમાં લોહી પહોંચતું બંધ થયું હતું. તેથી તેમનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ઓપરેશન બાદ નસ લીકેજ રહેતા ઓપરેશનની જગ્યાથી લોહી વહેતું હતું અને સતત તબિયત બગડતી જતી હતી.
કોઈ અન્ય હોસ્પિટલમાં દર્દીને રીફર કર્યા નથી - ડૉ. દુષ્યંત પટેલ: પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે શેલ્બી હોસ્પિટલ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે દર્દીને કિડનીનો પણ વાંધો છે. તે અહીં PMJAY કાર્ડ હેઠળ નહીં થઈ શકે. તેથી સિવિલ હોસ્પિટલમાં અમે રિફર કરીએ છીએ. પરંતુ તે બાબતને શેલ્બી હોસ્પિટલ દ્વારા નકારવામાં આવી છે. શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટર દુષ્યંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે,'સમગ્ર સારવાર દરમિયાન દર્દીને કોઈપણ અન્ય હોસ્પિટલમાં તેમના દ્વારા રિફર કરવામાં આવ્યા નથી.'
આ પણ વાંચો: