વડોદરા: 28 ઓક્ટોબર 2024ના રોજ ટાટા એરબસના એસેમ્બ્લી યુનિટના લોકાર્પણ અંગે PM નરેન્દ્ર મોદી અને સ્પેનના PM બંને સંસ્કારી નગરી વડોદરા ખાતે આવનાર છે, ત્યારે નરેન્દ્ર મોદી પેડ્રો સાન્ચેજ સાથે અંદાજે 20,000 કરોડના લક્ષ્મી વિલાસ પેલેસના Eugenie(ઉમદા)ના હોલમાં લંચ કરશે. પેડ્રો સાન્ચેઝ અને મોદી શાસ્ત્રીય સંગીતની સૂરાવલિ વચ્ચે કાંસાની થાળીમાં ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ ભોજન કરશે. પરંતુ તાજેતરમાં જ વડોદરા શહેર પૂરની સ્થિતીમાંથી બહાર આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વડોદરાને દુલ્હનની જેમ શણગારી દેવાયું છે.
લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્પેનના પીએમ સાથે મુલાકાત: જાણવા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા એરબસ એસેમ્બ્લી યુનિટનું લોકાર્પણ કર્યા બાદ સીધા તેઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે. બન્ને વડાપ્રધાનનો કાફલો LVPના ગેટ નંબર-1થી પ્રવેશ કરશે. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.
સાન્ચેઝને રોયલ અનુભવ કરાવવા દરબાર હોલમાં લઈ જવાશે: આ ઉપરાંત પેડ્રો ફતેસિંહરાવ મ્યુઝિયમની પણ મુલાકાત લે એવી પણ શક્યતા છે. દરબાર હોલમાં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે ભવ્ય સ્વાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
PM મોદીનો ભોજન કાર્યક્રમ: આ બંને દેશના વડાના ભોજન કાર્યક્રમમાં સ્ટાર્ટર, પંજાબી સલાડ, ટીંડોળા-કાજુનું શાક, છોલે, તંદુરી રોટી, રૂમાલી રોટી, રોટલી-પુરી, ભજીયા, ખીચડી-કઢી, રીંગણ-વટાણા-ટામેટાનું ગુજરાતી શાક, ભીંડીના રવૈયા, બાસુંદી, રબડી, પુરણપોળી, રસગુલ્લા, ગુલાબ જાંબુ, મગની દાળનો હલવો, ઢોકળા, ખમણ, ઈદળા, ખાંડવી, કચોરી, છાશ અને અલગ અલગ પ્રકારના જ્યુસનો સમાવેશ થાય છે.
હોલમાં કલાત્મક કોતરણી અને મનમોહક પેઇન્ટિંગ: યુજેની હોલમાં PM મોદી અને સ્પેનના વડાપ્રધાન સાથે બેઠક અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોલ ઐતિહાસિક છે. આ હોલ મૂલ્યવાન ઝૂમરોથી સજાવવામાં આવ્યો છે. હોલની છત અને ચારે બાજુની દીવાલો ઉપર કલાત્મક કોતરણી અને મનમોહક પેઇન્ટિંગ હોલની શોભામાં વધારો કરે છે. હોલમાં જમવા માટેનાં રજવાડી કોતરણીવાળાં ટેબલ-ખુરસી છે અને જમીન ઉપર વિદેશી ગાલીચો આકર્ષણ જમાવે છે. હોલમાં એસીની ગરજ સારતી વિશાળ બારીઓ પણ હોલનું આગવું આકર્ષણ છે.
1956 માં રાજદ્વારી સબંધો સ્થાપાયા: ભારત-સ્પેનના સંબંધની શરૂઆત વર્ષ 1956 માં રાજદ્વારી સબંધો સ્થાપવાથી થઇ ગઇ હતી. ત્યારથી જ ભારત અને સ્પેન વચ્ચેના સબંધો સુમેળ ભર્યા રહ્યા છે. ત્યારબાદ 1965 માં ભારતના પ્રથમ નિવાસી રાજદુતની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2009 માં ભારતના તત્કાલીન વડાપ્રધાને સૌપ્રથમ વાર સ્પેનની મુલાકાત લીધી હતી.
LVP બેન્કવેટમાં ભોજન કયું પીરસવામાં આવે છે?: જાણવા મળતી માહિતી મુજબ LVP બેન્કવેટમાં સામાન્ય દિવસોમાં ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. જેમાં સલાડ, સંભારો, ફણગાવેલા કઠોળનું સલાડ, આથેલાં મરચાં, લસણની ચટણી, કોથમીરની ચટણી, અથાણું, પાપડ-પાપડી, છોલે, રીંગણ -વટાણા-ટામેટાનું શાક, ભીંડીનાં રવૈયાં, ટીંડોળા-કાજુનું શાક, તવા રોટલી, પૂરી, છાશ, દહીં તિખારી, ભજીયા, ઇદળા, ખીચડી, ભાત, ગુજરાતી દાળ, કઢી, જલેબી, બાસુંદી, મગની દાળનો શીરો અને મુખવાસમાં પાન આપવામાં આવે છે.
આ પણ વાંચો: