સુરતઃ સ્વતંત્રતા પર્વ જેવો જ માહોલ રવિવારે પીપલોદ વિસ્તાર, ડુમસ રોડ પર જોવા મળ્યો હતો. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રાને લઈને સુરત શહેરના ભરપૂર વખાણ કરતા સુરતનો કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ છવાઈ ગયો છે તેવું કહ્યું હતું. સુરત દરેક બાબત જુસ્સાભેર કરે છે અને હર ઘર તિરંગા એ કોઇ અપવાદ નથી. આ અંગે એક્સ પોસ્ટ વડાપ્રધાને કર્યા બાદ તે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ ગઇ હતી. તિરંગા યાત્રાના વીડિયો સાથે મૂકેલી પોસ્ટને ટેગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના કાર્યક્રમ, સુરતવાસીઓના જુસ્સાના ભરપૂર વખાણ કર્યા હતા.
Surat does everything with passion and #HarGharTiranga is no exception! Proud of the Surati spirit. https://t.co/BZfc0Ovtij
— Narendra Modi (@narendramodi) August 12, 2024
કેવી રીતે યોજાઈ હતી આ યાત્રા?
૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સુરત શહેરના આંગણે ૧૧મીના રવિવારે તિરંગા ઉત્સવની રંગારંગ ઉજવણી થઇ હતી. રવિવારે સાંજે શહેરનો પોશ વિસ્તાર એવા પીપલોદ-મગદલ્લા રોડ પર ઉત્સાહના સથવારે સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને શૌર્યરસની ઝલક દેખાઈ હતી. દરમિયાન સુરતવાસીઓએ આર્મી, એરફોર્સ સહિતના દેશના સંરક્ષણદળો, પોલીસ, એનએસએસ, એનસીસી સહિતની પ્લાટુનની પરેડ નિહાળી હતી.
લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા પરેડમાં
મિની ભારત ગણાતા સુરતમાં વસતા વિવિધ સમાજના લોકો પર પરંપરાગત વેશભૂષા સાથે પરેડમાં જોડાયા હોય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. સુરતની ૨ કિલોમીટરની આ પદયાત્રાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે અને તેમને આ કાર્યક્રમ બાબતે પોતાના એક્સ પોસ્ટ પર સુરતનો જુસ્સો વધાવે એવી પોસ્ટ મૂકી છે. વડાપ્રધાને કરેલી પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, સુરત દરેક બાબત જુસ્સાભેર કરે છે અને હર ઘર તિરંગા કોઇ અપવાદ નથી. સુરતીઓના સ્પિરિટ (ભાવના-લાગણી) માટે મને ગર્વ છે.