જામનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં એક રાત્રિ રોકાણનું આયોજન પણ સામે આવ્યું છે. પીએમ મોદીની જામનગર મુલાકાતને પગલે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણને લઇ રંગરોગાન થતાં દેખાયાં હતાં. ત્યારે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને સમગ્ર શહેરમાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે
સર્કિટ હાઉસમાં પોલીસ પહેરો ગોઠવાઇ ગયો : આજથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 24મી તારીખે જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે અને અહીંથી તેઓ સર્કિટ હાઉસથી દિગ્જામ સર્કલ સુધી રોડ શો કરશે અને ત્યારબાદ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે. જામનગરમાં વીવીઆઈપી મૂવમેન્ટને પગલે વહીવટીતંત્રના અધિકારીઓ વિવિધ બંદોબસ્ત માટે કાર્યરત થતાં જોવા મળ્યાં હતાં. પીએ મોદીની જામનગર મુલાકાતના પગલે શહેરભરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગર પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજીતરફ સર્કિટ હાઉસમાં પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ રોકાશે : એસપીજીના વડા રાજી ભગત સહિતના ઉચ્ચ અધિકારીઓ આજે જામનગરમાં પોતાના રસાલા સાથે પહોંચ્યા હતાં. તેઓએ પીએમ મોદી જે સ્થળે રાત્રિ રોકાણ કરવાના છે તે સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળની સુરક્ષા સહિત અન્ય સગવડોની ચકાસણી પણ કરવામાં આવી હતી.જામનગર કલેકટર ભાવિન પંડ્યા અશોક યાદવ અને એસપીજીના વડા રાજીવ ભગત સહિતના અધિકારીઓએ વડાપ્રધાન જે રૂમમાં રાત્રે રોકાણ કરવાના છે તે રૂમનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
ભવ્ય રોડ શોનું પણ આયોજન : જામનગર શહેરમાં સર્કિટ હાઉસથી દિગ્જામ સરકાર સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. રાત્રિ રોકાણ કર્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ખાતે રવાના થશે અને દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ સંપન્ન કરશે.