દ્વારકા: વડાપ્રધાન મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. PM નરેન્દ્ર મોદી વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બેટ દ્વારકામાં પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી હતી. અને ભગવાન દ્વારકાધીશને થાળ ધર્યો હતો.
સ્કૂબા ડાઈવ દ્વારા દ્વારકા નગરીને નિહાળી: બેટ દ્વારકા બાદ તેઓ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં જગત મંદિરમાં તેમણે દ્વારકાધીશની પૂજા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડ્રાઇવિંગ કર્યું હતું. સંગમ નારાયણ મંદિર વિસ્તારમાં દરિયામાં 2 નોટીકલ માઈલ દૂર દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીને PM મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે નિહાળી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભાસ્થળે પહોંચ્યા હતા અને જનતાને સંબોધન કર્યું હતું.
સમુદ્રમાં જઈને પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશની જય સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે દ્વારકામાં યોજાયેલા 37 હજાર આહીરાણીઓના મહારાસના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તો મેં કહ્યું તમને માત્ર ગરબો દેખાયો, પણ જ્યારે આહીરાણી બહેનો ગરબા કરતી હતી ત્યારે શરીર પર 25 હજાર કિલો સોનું પહેરી તેઓએ રાસ લીધો હતો. મારી અનેક વર્ષો જૂની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. આજે મેં સમુદ્રમાં જઈને પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા, ભગવાન કૃષ્ણને મોરપીંછ આપ્યું. આ અનુભવ મને જિંદગીભર યાદ રહેશે. પહેલાં લોકોને ફેરીબોટ પર નિર્ભર રહેવું પડતું હતું. હવે જ્યારે આ બ્રિજ બનીને તૈયાર થઈ જતા આ મુશ્કેલીનો અંત આવશે. પહેલા વિપક્ષ મજાક ઉડાવતા હતા, હવે તેઓ નવા ભારતને જોઈ રહ્યા છે.
સુદર્શન સેતુનું લોકાર્પણ: નરેન્દ્ર મોદી બેટ દ્વારકા દર્શન કરી સુદર્શન બ્રિજ પહોંચ્યા હતા. ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતા 978.93 ખર્ચે બનેલા સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે બ્રિજ પર નિરીક્ષણ પણ કર્યુ હતું. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે.
સુદર્શન સેતુની વિશેષતાઓ: ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે. ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ એન્જીનિયરીંગ અજાયબીથી ઓછો નથી.
- ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે.
- ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે.
- બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે.
- રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટદ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લ્હાવો લઈ શકશે. બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે.
- ઉપરાંત બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બ્રિજની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. આમ, આ સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
- રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે. જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે.
- આ ઉપરાતં સિગ્નેચર બ્રિજમાં કેટલીક ખાસ સુવિધાઓ પણ યાત્રિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિજ પહેલા વાહન પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે. આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
- ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રીજ પર લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
દ્વારકાધીશના દર્શન થશે સરળ: આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. તેમજ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે. સાથે જ આ બ્રિજના નિર્માણથી અહીં ઝડપી વિકાસ થશે. આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનો છે.