રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે કડક વલણ અપનાવી મિલકતો સીલ કરવામાં આવી રહી છે. મનપાની ધડાઘસ સીલ કામગીરીને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિવિધ એસોસિએશનના હોદ્દેદારોએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.
મનપાની સીલ ઝુંબેશ : રાજકોટમાં દુકાન, શોરૂમ, ઔદ્યોગિક, દવાખાના અને શાળાઓ સહિતના એકમો ધડાધડ સીલ કરવાની સામે વિરોધ જોવા મળ્યો હતો. ફાયર NOC ઉપરાંત BU પરમિશન મુદ્દે વેપારીઓને પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી વિવિધ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી.
અમારા માટે પણ લોકો અને સ્ટાફની સેફટી મહત્વની છે. નિયમો પાળવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા અમે માંગતા નથી. પરંતુ ફાયર NOC ના બદલાયેલા નિયમો મુજબના સાધનો વસાવી જરૂરી વ્યવસ્થા કરવા માટે થોડો સમય મળે તે જરૂરી છે. -- નોતમ બોરસીયા (સેક્રેટરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ)
વેપારીઓની રજૂઆત : રાજકોટના વિવિધ સંગઠનોના સભ્યો મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી નોતમ બારસિયાનાં જણાવ્યા અનુસાર રાજકોટનાં તમામ વેપારી એસોસિએશનો દ્વારા મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સીલીંગની કાર્યવાહી કરતા પહેલા થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને અન્ય મહાનગરપાલિકાઓ સાથે સંકલન કરી આગામી બે દિવસમાં આ માટે ખાસ SOP બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. -- ડી. વી. દેસાઈ (મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મનપા)
ફાયર સેફ્ટી મુદ્દે કડક વલણ : રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડી. વી. દેસાઈએ જણાવ્યું હતું કે, ફાયર NOC અને BU પરમિશન માટે સમય આપવાની રજૂઆતો મળી રહી છે. કેટલાક લોકો પાસે ફાયર NOC છે BU નથી, તો કેટલાક લોકોની પાસે BU છે પણ ફાયર NOC નથી. અમુક એવા એકમો છે જેની પાસે બન્નેમાંથી કંઈપણ નથી. રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની રજૂઆત મળી રહી છે.