ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકાથી સોમનાથ સુધીના આશરે 200 કિમી લંબાઈના કોસ્ટલ હાઈવેની બંને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત પ્રયાસથી આશરે 40,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
'હરિત વન પથ' યોજના : ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વન વિભાગ દ્વારા વર્ષ 2024-25 માં 'હરિત વન પથ' યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ 70 હેક્ટર વિસ્તારમાં આશરે 70,000 મોટા રોપાનું વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. હરિત વન પથ યોજના હેઠળ રાજ્યમાં ટ્રી કવર વધારવા અને રોડની બંને બાજુ હરિયાળી બનાવવા માટે 5 X 5 મીટરના અંતરે 6 થી 8 ફુટના રોપા ટ્રી-ગાર્ડ સાથે વાવેતર કરવાની એક અગત્યની યોજના છે.
સદભાવના વૃદ્ધાશ્રમનું ઉમદા સેવાકાર્ય : આ યોજના અગાઉના વાવેતર કરતાં વિશિષ્ટ અને અત્યંત અસરકારક મોડલ તરીકે તૈયાર કરવામાં આવી છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગત 10 વર્ષમાં આશરે 25 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરીને ઉમેરવામાં આવ્યા છે. દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવે પર કરવામાં આવનાર વૃક્ષારોપણમાં રોપા દીઠ અંદાજે રૂ. 3,000 ના ખર્ચે પ્રથમ વર્ષનું વાવેતર અને ત્રણ વર્ષ સુધી જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા કરવામાં આવશે. સંસ્થા પાસે તાંત્રિક માનવબળ, ટ્રેક્ટર, ટેંકર્સ અને વૃક્ષારોપણ કામગીરી માટે તમામ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ છે.
રાજ્ય બનશે હરિયાળું : માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમે લોક ભાગીદારીથી PPP ધોરણે વનીકરણનું કામ કરવા ઈચ્છા દર્શાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યમાં રોડના મિડિયન, બન્ને બાજુ તેમજ અન્ય અનુકૂળ જગ્યાએ મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ-માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણ માટે વન વિભાગ સાથે રૂ. 10 કરોડના MoU પણ કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ ભરતી : ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ દ્વારા યોજાતી ભરતી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ ભારત સરકારના આદિજાતિ મંત્રાલય હેઠળની સ્વાયત સંસ્થા ISSC 2023 રિટર્ન શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને કેન્દ્રીયકૃત ભરતીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ નિમણૂકના આદેશ આપ્યા છે. ગુજરાત રાજ્યમાં શાળાઓ માટે 398 શૈક્ષણિક સ્ટાફ તથા 133 બિન શૈક્ષણિક સ્ટાફ સહિત કુલ 531 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ સહિતની વિવિધ સંસ્થાઓમાં પૂરતો સ્ટાફ પ્રાપ્ત થશે.