કચ્છઃ ગુજરાતમાં ધાર્મિક લાગણીઓ દુભાવાને લઈને ઠેરઠેર સોશ્યલ મીડિયા પર જાણે કે એક મારો ચલાવવામાં આવી રહ્યો હોય તેવી પોસ્ટ, વીડિયો સહિતનું મટિરિયલ સતત લોકો જોઈ રહ્યા છે આવા સંજોગોમાં એક અધિકારી કે જેમણે આરોપીને પોલીસ મથકે પહોંચવાનું કહેતા હિન્દુ નેતા બની આરોપી ટોળા સાથે પોલીસ મથકે પહોંચ્યો હતો. આ આરોપી સાથે આવેલા લોકોને જોઈને પીઆઈએ તેમને ખરેખરમાં હિન્દુત્વ શું છે તેના પાઠ ભણાવી દીધા હતા. હિંસાને હિન્દુત્વ માની બેસેલા આ ટોળામાંથી એક પણ વ્યક્તિ હિન્દુત્વ શું છે તેનો સાચો જવાબ પણ આપી શક્યો ન્હોતો જ્યારે પોલીસ અધિકારીએ તેમને પુછ્યું કે કહો શું છે હિન્દુત્વ?
કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીની એક વીડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં હિન્દુત્વ એટલે શું? પૂછીને આરોપીઓને બચાવવા આવેલા ટોળાને ઠપકો આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. હાલમાં દેશમાં પણ ચોક્કસ સમુદાય પ્રત્યે નફરત અને ધાર્મિક કટ્ટરતાનું ઝેર ભરીને વિવિધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર ભ્રામક રાષ્ટ્રવાદ અને ધર્મ ગૌરવના નામે ચોક્કસ સમુદાયના લોકો પરત્વે દ્વેષ અને ધિક્કારના બીજ વવાઈ રહ્યાં છે. ત્યારે આવા અંધભક્તો અવારનવાર ધર્મની આડ લઈને કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવા ગુનાહિત કરતૂતો આચર્યાં કરે છે. મુન્દ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ ત્રિવેદીએ ઈન્સ્ટાગ્રામ પર સામસામી ટિપ્પણીઓ કરનારા બે જુદાં જુદાં સમુદાયના બે યુવક સામે સુલેહશાંતિ ભંગ બદલ એક્શન લીધા હતા. તે સમયે એક યુવકની તરફેણમાં એકઠા થઈને આવનાર લોકોને પીઆઈ ત્રિવેદીએ હિન્દુત્વનો ખરો મતલબ શું? એમ પૂછીને પકડેલાં યુવકે શું કર્યું છે તે જણાવી સમર્થકોને ઠપકો આપ્યો હતો. હિન્દુત્વની વિચારધારા અન્ય સમુદાયના માણસોને નુકસાન કરવાનું કે, ગુના આચરવાનું નથી શીખવતી તેમજ કોઈ પણ લોકો સાથે અન્યાય ના થાય તે પણ શીખવે છે.