રાજકોટઃ શહેરની PGVCLની ઓફિસ બહાર છેલ્લા 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આજે આ આંદોલનમાં કૉંગ્રેસ જોડાઈ ગઈ છે. જેમાં મહામંત્રી મહેશ રાજપુત સહિત અનેક કૉંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા છે. આ આંદોલનમાં ઉમેદવારો 16મી સુધી ભરતી પ્રક્રિયા કરવાની માંગણી કરી રહ્યા છે. જો સમયસર આંદોલન કર્તાઓની માંગણી પૂરી નહિ કરવામાં આવે તો ભૂખ હડતાળ કરીને આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રભુ શ્રી રામના ફોટો સાથે વિરોધઃ છેલ્લા 5 દિવસથી રાજકોટ PGVCL ઓફિસ બહાર આંદોલન ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જેમાં કૉંગ્રેસીઓ પણ જોડાયા છે. પ્રભુ શ્રી રામના ફોટો સાથે વિરોધ પ્રદર્શન ઉગ્ર કરવામાં આવ્યું છે. આંદોલન કર્તા અને કૉંગ્રેસ દ્વારા આંદોલન માટે ગાંધીમાર્ગ અપનાવવામાં આવ્યું છે. જેમાં રામધૂન અને પ્રભુ શ્રી રામના ફોટો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ ઉમેદવારો સાથે PGVCLની બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહતું. તેથી હવે ઉમેદવારો ભૂખ હડતાળ કરીને આંદોલન ઉગ્ર બનાવશે તેવું જણાવી રહ્યા છે.
RTIમાં મળેલ માહિતીનો ઈનકાર કરતું PGVCL: ખોટી માહિતી અપાઈઃ PGVCLના 46 ડિવિઝનમાંથી 13 ડિવિઝન અંગે જવાબ મળ્યો હતો. જેમાં 300થી વધુ જગ્યાઓ ખાલી હોવાનો ઉલ્લેખ છે. ક્લાસ વન અધિકારી દ્વારા RTIનો જવાબ આપવામાં આવ્યો હતો. જો કે PGVCL દ્વારા આ વાત માનવાનો ઈનકાર કરે છે. PGVCL દ્વારા ક્લાસ વન અધિકારીઓને ખોટા પાડવામાં આવી રહ્યા છે. જો RTIમાં આ માહિતી ખોટી હોય તો માહિતી આપનાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. તેમજ આ મામલે ઊર્જા મંત્રીએ પણ ખુલાસો કરવો જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ. તેવી માંગણી આંદોલન કર્તાઓ કરી રહ્યા છે.
આ ઉમેદવારો પોતાના સાચા હક માટે આંદોલન કરી રહ્યા છે. જ્યારે ઉમેદવારોએ RTI કરી હતી. ત્યારે સામે આવ્યું છે કે PGVCLમાં મોટા પ્રમાણમાં જગ્યા ખાલી છે તો આ જગ્યા સરકાર દ્વારા કેમ ભરવામાં આવતી નથી. રાજ્ય સરકાર દ્વારા આ ભરતીની પરીક્ષા લેવામાં આવી હોય અને આ પરીક્ષામાં ઉમેદવારો પણ પાસ થયા હોય એવામાં કેટલાક ઉમેદવારોએ તો બે-બે વખત આ પરીક્ષા આપી છે. પાસ થયેલ આવા ઉમેદવારોની વય મર્યાદા હવે પૂર્ણ થઈ રહી છે. એવામાં આગામી 16 તારીખ સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ...મહેશ રાજપુત(મહામંત્રી, કૉંગ્રેસ)
આજે અમારા આંદોલનનો પાંચમો દિવસ છે. જ્યારે અમારે અહીંયા સુવાની પણ જગ્યા નથી. જ્યાં જગ્યા મળે ત્યાં રેકડી પર અથવા મંદિરના ઓટા પર અમે ઊંઘીને જેમ તેમ રાત પસાર કરીએ છીએ. આ સરકારે અમને કાંઈ પૂછ્યું નથી અને અમારી તેમને કંઈ પડી નથી. અમારી માંગ વ્યાજબી છે. PGVCLના 46 ડિવિઝન માંથી અમને 13 ડિવિઝનનો જવાબ મળ્યો છે કે જ્યાં 300 થી વધુ જગ્યાઓ ખાલી છે, છતાં પણ PGVCLના તંત્ર દ્વારા આ વાત માનવામાં આવતી નથી...કાનજી વાળા(ઉમેદવાર અને આંદોલન કર્તા, રાજકોટ)