ભાવનગર : લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. જનતા પોતાના પ્રતિનિધિ ચૂંટીને અપેક્ષા રાખે છે કે તેમના નેતા વિકાસ પર ધ્યાન આપે. જોકે તમારા મનમાં થશે કે મારો નેતા કેવો ? કદાચ લોકોની આશા પર બંધ બેસે તેવો જવાબ ETV Bharat પાસે છે. આજે એક સરપંચની મુલાકાત કરીએ કે જેમણે સરકારી સહાય સાથે સ્વખર્ચે ગામને શ્રેષ્ઠ બનાવવાની નેમ લીધી છે. આ સરપંચે તો ટૂંકા ગાળામાં એટલા વિકાસકાર્યો કર્યા કે ખુદ મુખ્યમંત્રીને તેમનું સન્માન કરવું પડ્યું છે.
ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્ર હેજમ : ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ અને ધર્મેન્દ્રભાઈ હેજમ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 17 જાન્યુઆરી, 2022 ના રોજ ધર્મેન્દ્રભાઈએ ચાર્જ સંભાળ્યો અને છ મહિનામાં તો ઉમરાળાની કાયાપલટ કરી દીધી. ગામની વિકાસગાથાની શરૂઆત ગ્રામ પંચાયતથી કરવામાં આવી હતી. ઉમરાળા ગ્રામ પંચાયતનું રંગરોગાન કરવામાં આવ્યું, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો માટે AC સહિતની સુવિધા કરવામાં આવી છે.
છ મહિનામાં 60 વિકાસકાર્યો : ધર્મેન્દ્રભાઈએ પોતાના કાર્યકાળના શરૂઆતના છ મહિનામાં જ 60 જેટલા વિકાસ કામ કર્યા, જેથી ખુદ મુખ્યમંત્રી દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રભાઈને ગ્રામજનોને દુનિયા સાથે જોડવાનો વિચાર આવ્યો અને તાત્કાલિક આ વિચાર અમલમાં પણ મૂક્યો હતો. આ અંગે સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે જણાવ્યું કે, લોકડાઉન પછી વિદ્યાર્થીઓનું એજ્યુકેશન સહિત ઘણું બધું ઓનલાઇન થઈ ગયું. મને વિચાર આવ્યો કે દરેક પરિવારના લોકો રુ. 299 રિચાર્જ કરે તે ન પોસાય. એના કરતાં એવી સુવિધા કરવામાં આવે કે ઘરના જેટલા પણ મોબાઇલ વપરાશકર્તા છે તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે.
ઉમરાળામાં ફ્રી વાઇફાઇનો એક્શન પ્લાન : ધર્મેન્દ્રભાઈ હેજમે જણાવ્યું કે, હાલમાં ઉમરાળામાં 13 સ્થળો પર ફ્રી વાઇફાઇ મુક્યા છે. એક વાઇફાઇ મોડેમનું મહિનાનું બિલ રુ. 1500 આવે છે. ગામમાં 30 મોડેમ મૂકી ગામમાં મફત વાઇફાઇ આપવાનો મારો એક્શન પ્લાન છે. ભવિષ્યમાં તેનું બિલ અંદાજે 4 લાખ સુધી પહોંચી શકે છે. હું પોતે ખર્ચ એટલા માટે કરી રહ્યો છું કે ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ નબળી છે. ગામમાં રહેતા ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ તથા પરિવારના બધા સભ્યો નાણાંના અભાવે મોબાઈલ રિચાર્જ કરી શકતા નથી. આથી આ મોબાઈલનો ઉપયોગ થાય અને દરેક લોકો દુનિયા સાથે જોડાય તેવી મારી ઈચ્છા છે.
સ્વખર્ચે આપી ઈન્ટરનેટ સેવા : ઉમરાળા ગામમાં વાઇફાઇ સેવા શરૂ થતા યુવાનો અને ઘરમાં રહેતી ગૃહિણીઓમાં આનંદ છે. સૌથી વધુ ખુશી વિદ્યાર્થીઓને થઈ છે. ગામના યુવાન વિનોદગીરી ગોસાઈએ જણાવ્યું કે, ઉમરાળા ગ્રામ પંચાયત ખૂબ નાની છે. નગરપાલિકા પણ નથી, પણ હાલમાં જ નવનિયુક્ત સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે ગામમાં અનેક વિકાસના કાર્યો ચાલુ કર્યા છે. જે પૈકી ગામમાં દરેક ખૂણે ખૂણે વાઇફાઇ લગાવવામાં આવ્યું છે, જેની 2 MBPS જેટલી સ્પીડ અને રેન્જ પણ ખૂબ સારી છે. જેની વ્યવસ્થા સરપંચે સ્વખર્ચે કરી છે.
દીકરીના જન્મના વધામણા : ધર્મેન્દ્રભાઈ હેજમ નારી ઉત્થાન માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ધર્મેન્દ્રભાઈ હેજમે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે દીકરીનો જન્મનો રેશિયો ઘટી રહ્યો છે. તેને પ્રોત્સાહિત કરવા માટે ઉમરાળા સરકારી દવાખાનમાં જે પણ દીકરીનો જન્મ થાય તેમને ચાંદીનો તુલસી ક્યારો અને ચાંદીની ગાય ભેટ આપીને અમે દીકરી જન્મના વધામણા કરીએ છીએ. અમે સંદેશ આપવા માંગે છીએ કે, દીકરી એ સાપનો ભારો નથી દીકરી એ તુલસીનો ક્યારો છે.
નારી ઉત્થાન માટે અગ્રેસર : ધર્મેન્દ્રભાઈ હેજમે જણાવ્યું કે, મોટેભાગે જોઈ ધોરણ 12 પછી દીકરીઓ ડિગ્રીમાં ડ્રોપ કરે છે. કારણ કે અહીંયા ઉમરાળામાં કોલેજ નથી, ભાવનગર કોલેજ જવું પડે છે. ઉપરાંત ફી જેવી અન્ય તકલીફોના કારણે દીકરીઓ કોલેજ નથી કરતી. આવી દીકરીઓને અમે ભણવાની ફી આપીએ છીએ. ઉમરાળામાં રુ. 3000 સુધીની ફી ગ્રામપંચાયત આપે છે અને બાકી વધારે હોય તો હું મારા સ્વખર્ચમાંથી આપું છું. અમારા માટે ખૂબ આનંદની વાત છે કે, સંધ્યા પરમાર નામની દીકરીએ ગ્રામ પંચાયતની ફીમાંથી અભ્યાસ કર્યો અને ભાવનગર યુનિવર્સિટીમાં પ્રથમ આવી છે.
ઉડીને આંખે વળગે એવી કામગીરી : ઉમરાળામાં સરપંચ તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ધર્મેન્દ્રભાઈએ ગામની કાયાપલટ કરવાની નેમ લીધી છે. ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું કે તેમના ચાર્જ સંભાળ્યા પછી અન્ય કામગીરી પણ થઈ છે. જેમાં આરોગ્યના સાધનોમાં વ્હીલ ચેર, વોકર, ટોયલેટ ચેર, એર બેડ, વોટર બેગ તેઓ સ્વખર્ચે આપી રહ્યા છે. આ સાથે સ્કૂલમાં પણ ડ્રેસ વિતરણ અને દરેક બાળકોને ક્રિકેટ કીટ પણ ફાળવી છે. ઘરે ઘરે ડસ્ટબીનનું પણ વિતરણ કરવામાં આવે છે.
ગામમાં ફ્રી રાશન ડિલિવરી : ગામના બ્યુટીફીકેશન માટે દર વર્ષે 4 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરાય છે. જ્યારે પંચાયતને બાર કોડેડ બનાવી છે. રાશનની દરેક ચીજ વસ્તુઓની હોમ ફ્રી ડિલિવરી કરવામાં આવે છે. ગામની શાળામાંથી પાંચ શિક્ષકોની બદલી થઈ હતી, પણ વર્ષ પૂર્ણ થયું નહોતું. આથી ધર્મેન્દ્રભાઈએ પાંચ શિક્ષકોને સ્વખર્ચે રાખીને બાળકોનો અભ્યાસ પૂરો કરાવ્યો હતો. એક ખુશીની વાત છે કે, શાળામાં નિબંધ સ્પર્ધા યોજાય અને મારો નેતા કેવો વિષય હોય તો બાળકો ધર્મેન્દ્રભાઈ પર નિબંધ લખે છે.