કચ્છ: ભુજ શહેરમાં બે દિવસ અગાઉ પડેલા 9 mm જેટલા વરસાદ બાદ સીટી 1 અને સીટી 2માં અનેક સ્થળે વિજ વિક્ષેપની સમસ્યાઓ સર્જાઇ હતી. તો ખાસ કરીને હાલ વરસાદી વાતાવરણના પગલે દિવસભર સખત ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ભુજના અમુક વિસ્તારોમાં દિવસ દરમિયાન ઓન કલાકો સુધી વિજ પ્રવાહ બંધ રહ્યો હતો અને લો વોલ્ટેજની સમસ્યા તેમજ લોડ વધી જવાથી રાત્રિના સમયે પણ વીજ પ્રવાહ બંધ રહેતા અડધી રાત્રિએ ભુજના લોકો વિજ કચેરીએ ઘસી ગયા હતા.
વીજપુરવઠો પૂર્વવત કરવા માટે રજૂઆત: રાત્રિના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી લાઈટ ન મળતા રોષે ભરાયેલા લોકોએ કચેરી અંદર ઉગ્ર રજૂઆત કરી હતી. અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપો કર્યા હતા. અને વીજપુરવઠો પૂર્વવત કરવા માટે રજૂઆત કરી હતી. વીજ અધિકારીઓએ લોકોની ફરિયાદનું રાત્રે જ સમાધાન લાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ છેલ્લા 3 દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે કાયમી ઉકેલ માટે લોકોએ માંગણી કરી છે.
ભુજ સિટી 1 અને 2ના લોકોને વીજળીની સમસ્યા: PGVCL ભુજ સિટી 1માં આવતા પ્રમુખ સ્વામી નગર, મુન્દ્રા રિલોકેશન સાઈટ તથા સિટી 2 વિસ્તારમાં આવતા એરપોર્ટ રિંગ રોડ, અંજલિ નગર અને રામકૃષ્ણ સોસાયટીના લોકો લાઈટ ના હોવાની ફરિયાદ સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા.આ ઉપરાંત લોકોએ ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સમક્ષ પણ રજૂઆત કરી હતી. તો લોકોની સમસ્યાને વાચા આપવા આવેલા વિપક્ષ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલચાલ પણ થઈ હતી.
15 દિવસથી લાઇટની સમસ્યાનો સામનો: પ્રમુખ સ્વામી નગરમાં રહેતા જગદીશ ડુડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી લાઇટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆત કરવામાં આવી છે તેમજ અધિકારીને ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ ફોન પણ નથી ઉપાડી રહ્યા તેમજ કચેરીએ રજૂઆત કરવા જતાં માત્ર ફરિયાદ લખવા વાળા મળે છે જે ફરિયાદ નોંધે છે તે ફરિયાદનો કોઈ ઉકેલ આવતો નથી. વારંવાર લાઈટ જવાના કારણે પંખા, ફ્રીઝ અને એસી જેવા ઉપકરણો ઊડી જવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકોને રાત્રિના સમયે સૂવામાં પરેશાની થાય છે.
લોકો અકળાઈને કચેરીએ ધામા નાખ્યા: કોંગ્રેસના કાર્યકર હાસમ સમાએ જણાવ્યું હતું કે, એક તો વીજળી ખૂબ મોંઘી મળી રહી છે તેમાં પણ લોકોને વીજળી ના મળતા સમસ્યા વધી છે. ત્યારે સ્વાભાવિક રીતે લાઈટ ન હોતા લોકો અધિકારીને કે કચેરીએ ફોન કરી રજૂઆત કરતા હોય છે પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી, તેથી લોકો અકળાઈને PGVCL કચેરીએ પહોંચ્યા હતા જેની જાણ કોંગ્રેસને થતા ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેમજ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
લોડ વધી જવાના કારણે સમસ્યા સર્જાઈ: સમસ્યા અંગે ભુજ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જે.એન. કસ્ટાએ જણાવ્યું હતું કે, હિટવેવના કારણે PGVCLની સર્કિટ પર લોડ વધી ગયો હતો જેના કારણે કેબલ ફોલ્ટના બનાવો બન્યા હતા. ગઈકાલે પ્રમુખસ્વામી નગર તરફના ફીડરમાં બીએસએનએલ વિભાગની સમારકામ કામગીરીના કારણે મેઈન કેબલ કટ થતા વિજ પુરવઠો ખોરવાયો હતો અને વીજપુરવઠો પૂર્વવત કરવા માટે હિલ ગાર્ડન પાસેના ફીડર પર લાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી, પરંતુ લોડ વધી જવાના કારણે સમસ્યા સર્જાઈ હતી અને વીજળી ગુલ થઈ હતી. ઓછા સમયમાં મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરી પુરવઠો રાબેતા મુજબ શરુ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં વધુ માત્રામાં ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે. છેલ્લા દોઢેક મહિનામાં 19 જેટલા નવા ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે.