કચ્છ: જિલ્લામાં 2001ના વિનાશક ભૂકંપ બાદ ઓદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. છેલ્લાં 20 વર્ષોમાં અહીં અનેક કંપનીઓ આવી છે. ગામમાં પોતાની જમીન પર આવતી કંપનીઓ સામે લોકો વિરોધ પણ નોંધાવે છે. આવી જ એક સોડા એશ બનાવતી કંપની માંડવી તાલુકાના બાડા ગામે આવી રહી છે. જેનો વિરોધ આસપાસના 20 ગામના લોકો કરી રહ્યા છે.
હેવી કેમિકલ કંપનીનો વિરોધ: GHCL એટલે કે, ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ કંપની માંડવી તાલુકાના બાડા ગામ ખાતે પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. તેણે બાડા ગામની 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. પરંતુ આ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પૂર્વે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીની પ્રક્રિયાના ભાગરૂપે પર્યાવરણીય અસરોનો અભ્યાસ (Environment Impact Assesement EIA) કરી લઈ તેનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેતો હોય છે. જે કંપનીએ સબમિટ કરી દીધો છે.
2 વખત લોક સુનાવણી કરાઇ રદ: સરકારી નિયમો મુજબ આ કંપની માટે 2 વખત ‘લોક સુનાવણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સુનાવણીમાં ગામના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. પરિણામે સબ કલેકટરે આ સુનાવણી રદ કરી હતી. એક વખતની લોક સુનાવણીમાં ગ્રામજનોનો ભારે આક્રોશ જોઈને વહીવટી તંત્રએ માત્ર 15 મિનિટની અંદર સુનવણી પડતી મૂકી હતી. બીજી વખતની લોક સુનાવણીમાં સવારના 9 વાગ્યા બાદ શરૂ થયેલી સુનાવણી મધરાત્રિ સુધી ચાલી હતી.

3500 કરોડના મૂડીરોકાણનો ગુજરાત સરકાર સાથે MoU: માંડવી તાલુકાના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL) દ્વારા કચ્છમાં પહેલો સોડા એશનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે માંડવી તાલુકાના બાડા ગામના દરિયા કિનારા નજીક 1340 એકરમાં GHCLના સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ અસ્તિત્વમાં આવશે. કંપનીએ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં 3500 કરોડના મૂડીરોકાણ સાથેનો કેમિકલ પ્લાન્ટ શરૂ કરવા ગુજરાત સરકાર સાથે MoU કર્યાં હતા.

કંપનીમાં શેનું થશે ઉત્પાદન: આ કંપની સોડા એશ અને બેકીંગ સોડાનું ઉત્પાદન કરશે અને કંપનીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂ કરેલા Environment Impact Assesementમાં જણાવ્યું છે કે, અહીં તે વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકીંગ સોડાનું ઉત્પાદન કરશે.

20 ગામોના લોકોએ કર્યો કંપનીનો બહિષ્કાર: ઉલ્લેખનીય છે કે, બાડા ગામમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકસમૂહ વચ્ચે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે કે, ખાનગી કંપનીનો પ્રોજેક્ટ આપવાથી આ વિસ્તારના લોકોનું જીવન અને જીવાદોરી સમાન ખેતી અને પશુપાલન વ્યવસાય ગુમાવવાનો વારો આવે, આ સાથે અહીંના લોકો માલિક મટીને ગુલામ બની જાય, લોકોનું આરોગ્ય જોખમાય, પર્યાવરણનું અસ્તિત્વ સમાપ્ત થાય અને અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધે તેવાં તમામ કારણોસર બાડા-માપર-ભીંસરા ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોએ કંપનીનો બહિષ્કાર કરતો ઠરાવ કર્યો છે.

લોકોએ GHCL કંપનીની નનામી ફેરવી: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપનીનો વિરોધના ભાગરૂપે સ્થાનિક લોકોએ GHCL કંપનીની નનામી ફેરવી હતી અને ગ્રામજનોએ GHCL કંપનીનું બેસણું યોજી શ્રદ્ધાંજલી પણ આપી હતી. સમગ્ર ગામનો એક જ સુર છે કે, જો GHCL આવશે તો આ વિસ્તારનુ પતન નક્કી છે. ત્યારે પોતાનો વર્તમાન અને બાળકો તથા આવનારી પેઢીનું ભવિષ્ય બચાવવા ગ્રામજનો મેદાને ઉતર્યા છે અને જણાવે છે કે, જો કંપનીનો પ્લાન્ટ શરુ થશે. ત્યારે નંદનવન સમો માંડવીનો વિસ્તાર ઉજ્જડ બનશે.આ સાથે જ ખેતી, પશુપાલન, માછીમારી અને સ્થાનિક રોજગારીને ભારે અસર થશે.
કંપનીની કોઈપણ સહાય ન લેવાનો ગ્રામજનોનો નિર્ણય: ગ્રામજનો દ્વારા સરકાર અને કંપનીને ગર્ભિત સંદેશો આપવામાં આવ્યો છે કે, બળજબરીપૂર્વક કંપનીના પ્રોજેક્ટને મંજૂરી અપાશે. આ ઊભાં થનારાં તમામ દુષ્પરિણામોની જવાબદાર સરકાર રહેશે. આ પ્રકારના ઠરાવ બાડા, ભીંસરા, માપર અને આજુબાજુની અન્ય ગ્રામપંચાયતો દ્વારા પણ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા સહાય મળે છે, તેવું કહીને આજુબાજુનાં અનેક ગામડાંઓને કંપનીએ આપેલી તમામ સુવિધાઓ પ્રજાએ પરત કરી છે, હવે ગામમાં કંપનીની કોઈપણ સહાય ન લેવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. અમુક ગામડાઓમાં કંપનીના પ્રવેશ નિષેધનાં બેનર પણ લગાડવામાં આવ્યાં છે.
કંપનીના લીધે ખેતી અને પશુપાલનને નુકસાની: બાડા ગ્રામ પંચાપત, માપર ગ્રામ પંચાયત, ભીંસરા ગ્રામ પંચાયત, બાડા ગ્રામ વિકાસ સમિતિ, વિપશ્યના ધ્યાન યોગ કેન્દ્ર-બાડા તથા આ વિસ્તારનાં માલધારી સંગઠન, શ્રમયોગી સંગઠન, મસ્ત્યઉદ્યોગ મંડળી, ખેડૂત સંગઠન, ગૌણ પેદાશ સંગઠનના હોદેદારોએ અને મુંબઈથી ઉપસ્થિત થયેલા મહાજનના પદાધિકારીઓએ કલેકટરને આ બાબતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ કંપની આ વિસ્તારનો વિનાશ કરી નાખશે. ખેતી અને પશુપાલનથી આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે. હેવી કેમિકલથી અહીં પ્રદૂષણની માત્રા અનેકગણી વધી જશે. જેનાથી પર્યાવરણની ઈકો સાઈકલ બગડી જશે.
કંપની જે જમીન ઉપર આવી રહી છે તે જમીન ગોચર છે: આ કંપનીના આવવાથી રાષ્ટ્રીય પક્ષી મોરની વસાહત નાશપ્રાય થઈ જશે. અહીં બાડામાં આંતરાષ્ટ્રીય ધ્યાન યોગ કેન્દ્ર છે. આ વિસ્તાર ખેતી, શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા અને જીવદયા ક્ષેત્રે ખૂબ વિકસિત છે, કંપનીની કોઈપણ લોલીપોપ અમને નથી જોઈતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. કંપની અત્યારે જે જમીન ઉપર આવી રહી છે. તે જમીન પર આજુબાજુનાં 4 ગામની ગાયો દરરોજ ચરિયાણ કરી રહી છે. જેથી ગાયોનાં મોઢેથી કોળિયો છીનવતી આ કંપની કોઈ પણ શરતે નથી જોઈતી. તેવી ઉગ્ર માગણી આ પંથકના સંગઠનો અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.
ગ્રામજનોએ જમીન બચાવવા લડતના પ્રયાણ કર્યા: કાઠડાના પર્યાવરણપ્રેમીઓ જણાવે છે કે, માંડવીથી અબડાસા સુધીના દરિયા કિનારે સમુદ્રી કાચબા અને અન્ય પક્ષીઓ અને જીવો ઈંડાં મૂકીને આ વિસ્તારના લોકોના ભરોસે છોડી જાય છે. આ પંથકની પ્રજા આવા અબોલ જીવોને ભરોસો નહીં તોડે. કંપનીનાં આગમનથી આવા અનેક જીવોની પ્રજાતિ નાશ પામશે. આ કંપનીનો વિરોધ મૂળ કચ્છના બાડા ગામના અને હાલમાં મુંબઈમાં વસતા જૈનસમાજના લોકો પણ બહોળી સંખ્યામાં લોક સુનાવણીમાં વિરોધ વ્યકત કરવા કચ્છ આવી ચૂક્યા છે. જૈન સમાજે અને સમસ્ત ગામે આ વિસ્તારનાં પર્યાવરણમાં ઉછરતા અબોલ જીવો પર થનારી હિંસા અટકાવવા અને ગાયોની ચરિયાણની જમીન બચાવવા અંતિમ શ્વાસ સુધીની લડતના પ્રયાણ કર્યા છે.
કંપની કઈ રીતે સોડા એશનું ઉત્પાદન કરશે: સોડા એશના ઉત્પાદન માટે કંપનીને ભૂગર્ભ જળ નહીં પણ સમુદ્રી જળનો ઉપયોગ કરવા મંજૂરી મળી છે. કંપની થોડીક માત્રામાં ખારાં પાણીને મીઠું બનાવવા RO પ્લાન્ટ પણ બનાવશે. ઉચ્ચ તાપમાને થતી વિવિધ પ્રક્રિયા અંતર્ગત કંપનીને વિશાળ માત્રામાં એટલે કે દરરોજ 16 લાખ ક્યુબિક મીટર પાણીની જરૂર પડશે. દરરોજ 16 લાખ ક્યુબિક મીટર સમુદ્રી પાણીના ઉપયોગ સામે દરરોજ 15.80 લાખ ક્યુબિક મીટર પાણીનું જરૂરી શુધ્ધિકરણ કરીને ભૂગર્ભ પાઈપલાઈન વાટે સમુદ્રમાં પરત છોડી દેવાશે.
ગામલોકોને કંપનીમાં નથી જોઈતી રોજગારી: ગામના લોકોને સીએસાર ફંડના નામે પણ લાલચ આપવામાં આવતી હોય છે. તેમજ 1200થી વધારે લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવે છે. ત્યારે ગામના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. જેથી કરીને તેમને રોજગારીની કોઈ જરૂર નથી. તેવું ગામલોકો જણાવી રહ્યા છે. તેમજ ગામમાં ઠેર ઠેર ગામલોકોને આ કંપની નથી જોઈતીના સૂત્રોચાર પણ લગાડવામાં આવ્યા છે. તો ગામમાં ઉત્પાદિત થતી ખેતપેદાશોથી ગામના લોકોને કરોડોની આવક ઊભી થાય છે તેમજ પશુપાલનના કારણે પણ ડેરી ઉદ્યોગ થકી પશુપાલકોને પણ કરોડોની આવક થઈ રહી છે. 8 કરોડ રૂપિયાનો કપાસ, 12 કરોડ રૂપિયાની મગફળી, ગામના દાડમો અને કમલમ ફ્રૂટ બહાર પણ નિકાસ કરવામાં આવે છે.
સુત્રાપાડા ખાતેના પ્લાન્ટના કારણે અનેક નુકસાની: ઉલ્લેખનીય છે કે, આ કંપનીનો એક પ્લાન્ટ સુત્રાપાડા ખાતે આવેલ છે. જ્યાં આસપાસના ગામોમાં મોટી માત્રામાં વિનાશ સર્જાયો છે. ત્યાં ગાંડો બાવળ પણ નથી ઊગી રહ્યો તો ગામના લોકોને કેન્સર જેવી બીમારીથી પણ પીડાઈ રહ્યા છે. માછીમારો પણ નુકસાની વેઠી રહ્યા છે. 3.5 વર્ષથી ગામના લોકો, તેમજ માંડવીના લોકો અને પશ્ચિમ કચ્છના લોકો કંપની ના સ્થપાય તે માટે લડી રહ્યા છે.
ગામલોકો કરી રહ્યા છે કંપનીનો ઉગ્ર વિરોધ: ગામ લોકો દ્વારા સ્થાનિક તલાટીથી માંડીને ક્લેક્ટર સુધી અનેક વખત લેખિત અરજીઓ મારફતે વિરોધ નોંધાવ્યો છે. પરંતુ કંપની અને વહીવટી તંત્રે એક સ્વૈચ્છિક જવાબદારી લીધી છે કે, આ કંપની બાડામાં સ્થાપિત કરવાની છે. ત્યારે ગામલોકોએ પણ એક સ્વૈચ્છિક જવાબદારી લીધી છે. કે તેઓને આ કંપની નથી જોઈતી.
સરકારે પણ ડેટા ચેક કરવા જોઈએ: આ કંપનીના કારણે ગામમાં હવા પ્રદૂષિત થશે, પર્યાવરણને નુકસાન થશે, ખેતીના પાકોને નુકસાન થશે, પાણી પ્રદુષિત થશે તેમજ પશુઓને પણ નુકસાની થશે. 300 એકર જેટલી જમીન જે ગૌચર જમીન છે. તે જમીન પણ સરકાર કંપનીને આપવા તૈયાર છે. કંપની ભાગલા પાડો અને રાજ કરો નીતિમાં માને છે અને સીએસઆર ફંડનો ઉપયોગ કરે છે. અહીંના દરિયામાં ગ્રીન ટર્ટલ અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ અહીં આવતા હોય છે. તો આ ગ્રીન ટર્ટલ અંગે સરકારે પણ ડેટા ચેક કરવા જોઈએ. જે માત્ર દુનિયામાં કચ્છના બાડા ગામમાં જોવા મળે છે. જે પોતાના ઇંડા આપવા અહીં આવતા હોય છે. સરકારે ખરેખર કંપનીઓ માટે એક અલગ ઝોન તૈયાર કરવો જોઈએ અને ત્યાં જ કંપનીઓને સ્થાપના માટે પરવાનગી આપવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિપશ્યના કેન્દ્ર: અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ધ્યાન કેન્દ્ર આવેલું છે. વિપશ્યના એક પ્રાચીન વિધિ છે. જેમાં ધ્યાન યોગ અને ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે આજે ભારતની સંસ્કૃતિ જળવાઈ રહી છે. છેલ્લા 30 વર્ષથી અહીં આ કેન્દ્ર કાર્યરત છે. તે આવી કંપનીના આવવાથી વ્યર્થ જશે. અહીંનું વાતાવરણ અનેક લોકોની સાધનાના કારણે પવિત્ર થયું છે. ત્યારે આ કંપની આવવાથી તેના પ્રદૂષણના કારણે આ કેન્દ્રના તરંગોને નુકસાન જશે. સરકારને પણ આ કંપની ગામમાં ન આવે તે માટે વિનંતી છે. ત્યારે પોતાની નૈતિક ફરજ સમજીને આ કંપનીને અન્ય સ્થળે સ્થળ ફાળવે તે જરૂરી છે.
30 વર્ષના તપના તરંગો વ્યર્થ જશે: આ વિપશ્યના સાધના કેન્દ્રમાં 30 વર્ષના તપ છે. ત્યારે જો તેની આસપાસ આવી કોઈ કંપની આવે તો વાતાવરણ બગડશે અને તેના કારણે દેશ વિદેશથી આવતા સાધકોને પણ મુશ્કેલી ઊભી થશે. અહીંનો દરિયા કિનારો અને વાતાવરણ આ કંપની આવવાથી ખૂબ ખરાબ થઈ જશે અને આ સેન્ટર માટે કંપની તકલીફ કારક છે. આ કંપની બીજે કોઈ સ્થળે ખસેડવામાં આવે તેમાં કોઈ વિરોધ નથી.
સરકારે આ કંપનીને મંજૂરી આપવી ન જોઈએ: આ GHCL કંપનીના કારણે ગામમાં પ્રદૂષણ વધી જશે. મૂંગા જીવોને પણ નુકસાન થશે. અહીંનું પર્યાવરણ પણ ખોરવાઈ જશે. ત્યારે સરકારને વિનંતી છે કે, આ કંપની કોઈ પણ ભોગે આ ગામમાં ના આવવી જોઈએ. ગામના લોકો પાસે પૂરતી રોજગારી છે અને ગામના લોકોને આવી કોઈ કંપનીની જરૂર નથી. માટે સરકારે આ કંપનીને મંજૂરી આપવી ન જોઈએ.
EP એક્ટ મુજબ કામગીરી કરવામાં આવશે: માંડવી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, GHCL કંપની દ્વારા માંડવી તાલુકાના બાડા ખાતે કેમિકલ કંપની માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. જેની સામે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા વાંધા સૂચવતી અરજીઓ કરવામાં આવી છે. જે મુજબ પ્રાંત કચેરી દ્વારા EP એક્ટ મુજબ સુનાવણી કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી અને EC એટલે કે એન્વાયરમેન્ટ કલિયરન્સ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચનો કરવામાં આવ્યા છે. જેટલી પણ વાંધા અરજીઓ આવી છે. તેને સુનવણી સમયે સાંભળવામાં આવ્યા છે અને તેને ધ્યાનમાં લેવા માટે જીપીસીબીને પણ સૂચનો કરવામાં આવ્યા છે. જે EC આપવા માટે જે કોઈ પણ કાયદાકીય રીતે પ્રકિયા છે. તે EP એક્ટ હેઠળ તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કંપનીના કોઈ પણ જવાબદાર અધિકારી આ ગામજનોના કંપનીની સ્થાપનાને લઈને ચાલી રહેલા વિરોધ અંગે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી થઈ રહ્યા અને મીડિયા સમક્ષ કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા સામે નથી આવી રહ્યા.
આ પણ વાંચો: