અમદાવાદ: આજે 21 ઓગસ્ટ 2024 ના રોજ દલિત સમાજ અને કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી જ દેશના વિવિધ રાજ્યોની અંદર આ ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ રેલના પાટા પર બેસીને ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. તો કેટલીક જગ્યાએ રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
રોડ રસ્તાઓ બંધ: અમદાવાદ શહેરમાં પણ ભારત બંધના એલાનને સમર્થન આપતા દલિત સમાજના લોકો હાથમાં ઝંડા લઈ રોડ પર બેસી ગયા હતા. અમદાવાદ ખાતે આવેલ રબારી કોલોની પાસે સ્વસ્તિક ચાર રસ્તા પર દલિત સમાજના લોકો ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે ભેગા થયા હતા અને રોડ રસ્તા પણ બંધ કરી દેવાયા હતા. રોડ પર ઉતરતા પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને શહેરની શાંતિ ના વિખેરાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
નોંધનીય છે કે દલિત સમાજ અને કેટલાક દલિત સંગઠનો દ્વારા દલિતોના ગીતો માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારથી જ દેશના વિવિધ રાજ્યોમાં આના પડઘાઓ પડ્યા હતા. તેમાં ગુજરાતના અમદાવાદમાં પણ અસર જોવા મળી હતી.
જાણો ભારત બંધનું કારણ: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામતમાં ક્રીમી લેયર (SC/ST reservation sub quota) લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC/ST અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિષેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે.