નવસારી: ગત દિવસોમાં નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની લોકમાતા પુર્ણા, કાવેરી, અંબિકા પોતાની ભયજનક સપાટીથી ઉપર રહેતા નવસારી શહેર સહિત ગણદેવી, વાંસદા, ચીખલી, ખેરગામ તાલુકાના નદીકિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેને લઈને અનેક લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. 1 મહિનામાં 2 વાર નવસારીમાં પૂરની સ્થિતિ બનતા નીંચાણવાળા વિસ્તારોની સ્થિતિ દયનીય બની હતી. ત્યારે બીજી તરફ ખેડૂતોને પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.
નવસારી શહેરમાં પૂરનું કારણ: ઉપરવાસમાં તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીને અડીને આવેલી પુર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. જેમાં પૂર્ણ નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર રહેવાના કારણે પુર્ણાનું પાણી નવસારીના નીચાણવાળા વિસ્તારો નગરી, વીરાવળ, ગધેવન, શાંતાદેવી રોડ જેવા વિસ્તારોમાં ફરી વળતા હજારો લોકોએ સ્થળાંતર થવાની ફરજ પડી હતી.
લોકોની ઘરવખરીને નુકસાન: પૂરના પાણી લોકોના ઘરોમાં ઘુસતા લોકોની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હતું. 1 મહિનામાં બીજી વાર આવેલી પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે આગલા પૂરના કેશડોલના સર્વે બાદ પણ લોકોને કેશડોલ ન મળતા સ્થાનિકો પણ અકળાયા હતા. સરકાર આ મુદ્દે લોકોને યોગ્ય વર્તન ચૂકવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ: નવસારી જિલ્લામાં ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ ડાંગમાં પડેલા ભારે વરસાદના કારણે કાવેરી, અંબિકા, ખરેડા નદીમાં જળસ્તર વધવાના કારણે નદી કિનારાને લગતા ગામોમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કાંઠા વિસ્તારની પરિસ્થિતિ: 2 વર્ષ અગાઉ કાવેરી નદીમાં પૂર આવે એટલે કાંઠાના વાઘરેચ, ગોયંદી, ભાઠલા સહિતના ગામોમાં પૂરના પાણી 8 થી 10 ફૂટ સુધી પ્રવેશી જતા હતા. 2022માં જ્યારે પુર આવ્યું ત્યારે ગોયંદી અને ભાઠલા ગામમાં 8 ફૂટથી વધુ પાણી હતું. વાઘરેજ ટાઇડલ ડેમ બનવાની શરૂઆત થઈ ત્યારે ગામના કિનારે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી.
પાણી ઉતરતા લોકોએ હાશ અનુભવી: ગામના કિનારે સંરક્ષણ દિવાલ બનાવી હોવાથી કાવેરી નદીમાં જળસ્તર વધે તો પણ ગોયંદી અને ભાઠલા ગામને ચિંતા નથી. પરંતુ આ ગામ કાવેરી, ખરેરા અને અંબિકા નદીના ત્રિવેણી સંગમ નજીક હોવાથી 3 દિવસ પહેલા આવેલા પૂરમાં અંબિકાના પાણીને કારણે ગામમાં 5 ફૂટ થી વધુ પાણી ભરાયા હતા. જોકે વહેલી સવારથી પાણી ઉતરતા ગામના લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે જ લોકો સાફ સફાઈમાં જોતરાયા છે. હજુ પણ ગામના રસ્તા ઉપર થોડું ઘણું પાણી જોવા મળી રહ્યું છે. જે ઉતરતા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
ખેડૂતોને નુકસાની: નવસારી જિલ્લામાં ખાસ કરીને ડાંગર, શેરડી, ચીકુ, કેરી જેવા પાકો મુખ્યત્વે લેવામાં આવે છે. પરંતુ ભારે વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો થતા ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા જે ધરું તૈયાર કરવામાં આવ્યું હતું. તે નષ્ટ થતાં ડાંગર પકવતા ખેડૂતોને મોટી નુકસાનીનો વારો આવ્યો છે.
50 વર્ષ જૂના વૃક્ષોને નુકસાન: ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ઉપર દેવધા ગામ નજીક વર્ષ 2001 માં દેવ સરોવર ટાઈડલ ડેમ બનાવવામાં આવ્યો હતો. બીજી તરફ રેલ્વે સહિતના અન્ય પ્રોજેક્ટો તેમજ દરિયાકિનારા તરફ ઝીંગાના તળાવોને કારણે પૂરના પાણીનો વહેલો નિકાલ થતો નથી. ચીકુ અને આંબાની વાડીઓમાં પાણીનો ભરાવો રહેતા 40 થી 50 વર્ષ જૂના ઝાડોને પણ નુકસાન થાય છે.
ડાંગરના પાકને નુકસાન: દેવધા અને આસપાસના ગામોમાં અગાઉ ડાંગરની ખેતી થતી હતી. પરંતુ છેલ્લા 2 દાયકાથી પૂર અને વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે એક દાણો ડાંગર પણ પકવી શકાતી નથી. જ્યારે શાકભાજી પાકો પણ લઈ શકાતા નથી. જેથી પૂરના પાણીનો યોગ્ય નિકાલ થાય એવી યોજના સરકાર બનાવે એવી માંગ ઉઠી છે.
ચીકુના પાકને નુકસાન: હાલ ખેતીવાડી અધિકારી દિનેશ પડાળિયા દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે બાગાયતી પાકોને નુકસાન થયું છે. જેમાં જલાલપુર, ગણદેવી અને નવસારીના 7 થી 8 હજાર હેક્ટરમાં ચીકુનાં પાકને નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોને યોગ્ય સર્વે કરાવી સરકારની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: