સુરત: જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર હાલ ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. છાશવારે ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યારે આજરોજ વધુ એકવાર વાહનોના થપ્પા નેશનલ હાઇવે પર લાગી ગયા હતા. કામરેજ તાલુકાના ઘલા પાટિયા પાસે હાઇવેની કટ પર NHAI વિભાગનો કે પોલીસનો કોઈ માણસ ન હોવાથી ઘલા ગામ તરફથી આવતા વાહનો આડેધડ ઘૂસી ગયા હતા અને નેશનલ હાઇવે બ્લોક કરી દીધો હતો. જેને લઇને જોતજોતામાં પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંગ દઝાડતા તાપમાં વાહન ચાલકોને શેકાવવાનો વારો આવતા લોકો અકળાઈ ગયા હતા.
નેશનલ હાઇવે પર ઠેર ઠેર સર્વિસ રોડનો અભાવઃ સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર સર્વિસ રોડનો અભાવ છે. જેને લઇને લોકલ વાહનો જ્યારે પ્રવેશે ત્યારે અવાર નવાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. તેમજ ટ્રાફિક થતી જગ્યાઓ પર NHAI વિભાગનો સ્ટાફ હાજર જોવા ન મળતા લોકો બિન્દાસ વાહનો આડેધડ ઘુસાડી દે છે અને હાઇવે બ્લોક થઇ જાય છે. NHAI વિભાગ અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ સંકલન કરી આ ટ્રાફિક ની સમસ્યા માંથી લોકોને છુટકારો અપાવે એ હાલ જરૂરી બન્યું છે.
NHAI ની કામગીરી સામે સવાલઃ ગત 4-1-2024 ના રોજ કામરેજ પ્રાંત કચેરી ખાતે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ NHAI વિભાગના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી. સૌ પ્રથમ તેઓએ હાજર આગેવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને બાદમાં NHAI વિભાગ પાસે કામગીરીનો હિસાબ માંગ્યો હતો. ખોલવડ ગામ પાસે તાપી નદીના બ્રિજ પર મૂકવામાં આવેલ લોખંડની પ્લેટથી વાહન ચાલકોને પડતી હાલાકીથી વાકેફ કર્યા હતા. સાથે જ NHAI વિભાગની ઢીલી કામગીરીથી તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઝડપથી કામગીરી કરવા સૂચનો કર્યા હતા. છતાં હજુ સુધી કોઈ સંતોષકારક કામગીરી કરાઇ નથી.
વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અસર નહિઃ માંગરોળ GIDC ના પ્રમુખ પ્રવિણ દોંગા એ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે 48 પર જે ટ્રાફિક સર્જાય છે જેને લઇને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. NHAI વિભાગની કામગીરી થી લોકોમાં રોષ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષ કારક કામગીરી થતી નથી.