પાટણઃ આજે પીરોજપુરા ગામના લોકો 3 દિવસ અગાઉ બનેલા બનાવ અને ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદની રજૂઆત કરવા પાટણ કલેક્ટરની ઓફિસે ધસી ગયા હતા. ગામ લોકોએ ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદ અને સસ્તા અનાજની દુકાનદારનું લાયસન્સ રદ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે જિલ્લા કલેકટર અરવિંદ વિજયને આ મામલે તપાસ સમિતિની રચના કરી તેના અહેવાલ બાદ દોષિતો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા જથ્થો ઓછો આપી ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાની ફરિયાદ શંખેશ્વર મામલતદારને કરવામાં આવી હતી. ગામ લોકોની આ રજૂઆત બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવતા 3 દિવસ અગાઉ ફરી મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. મોડી સાંજે ગામ લોકોએ મામલતદારનો ઘેરાવો કરતાં ઘર્ષણ સર્જાયું હતું. આ બનાવને પગલે મામલતદાર બાબુભાઈ કટેરીયાએ વિપુલ, નરેશ, રૂપાજી તથા સ્વયમ સાલવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પાટણ કલેક્ટરને રજૂઆતઃ આજે પીરોજપુરાના ગામ લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ પાટણ કલેકટરને કરી હતી. પીરોજપુરાના સસ્તા અનાજના દુકાનદાર, શંખેશ્વર મામલતદાર અને નાયબ મામલતદાર તેમજ પુરવઠા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી. ગામ લોકોએ કલેકટર સમક્ષ માંગણી કરી હતી કે પિરોજપુરા ગામના સ્થાનિક સસ્તા અનાજની દુકાનદાર વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી તેનું લાઇસન્સ રદ કરવા તેમજ એફ.આઇ.આર દાખલ કરવી, ભ્રષ્ટાચારમાં મામલતદાર પણ સામેલ હોય તેમને સસ્પેન્ડ કરવા,એ.સી.બી ની કાર્યવાહી કરવી, ફોન રેકોર્ડિંગ ની તપાસ કરવા, તેમજ જે ખોટા કેસો કર્યા છે તે તાત્કાલિક ધોરણે પરત લેવા રજૂઆત કરી હતી.
પીરોજપુરાના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રેશનીંગ કાર્ડ ધારકોને છેલ્લા કેટલાક વર્ષોથી જથ્થો ઓછો આપવામાં આવે છે. જે અંગે પૂછતા કહે છે કે અમારે શંખેશ્વર મામલતદાર અને નાયબ પુરવઠા અધિકારીને 10થી 20,000 રુપિયાની લાંચ આપવી પડે છે. તેથી ઓછું આપીએ છીએ. 2 મહિના અગાઉ શંખેશ્વર મામલતદારને રજૂઆત કરી હતી. ન્યાય નહિ મળે તો ધરણા પ્રદર્શનની ચીમકી આપી હતી. ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ શંખેશ્વર મામલતદારને ફરી રજૂઆત અને ન્યાય મેળવવા કચેરીમાં જતા મેઈન ગેટ બંધ કરવામાં આવેલ અને રાત્રે 8 વાગ્યા સુધી મામલતદાર મળ્યા નહીં. આ ઘટનામાં મામલતદારે પોલીસમાં હાથાપાઈની ખોટી ફરિયાદ આપી છે...વિપુલ ઠાકોર(સ્થાનિક, પીરોજપુરા, શંખેશ્વર, પાટણ)
સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે રજૂઆત કરવા માટે પીરોજપુરા ગામના લોકો આવ્યા હતા. આ મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તપાસ સમિતિના અહેવાલમાં જે દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે...અરવિંદ વિજયન(કલેક્ટર, પાટણ)