પાટણઃ સમી તાલુકાના સીંગોતરીયા ગામ નજીકથી રાફુ ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે. આ કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જીરુનો પાક લેતા ખેડૂતોને પારવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ કેનાલની નિયમિત સાફ સફાઈ અને સમારકામ ન થતા હોવાથી આવી ઘટના ઘટે છે. જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.
હજારો લીટર પાણીનો વેડફાટ અને પાક નુકસાનીઃ પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ્સમાં અવારનવાર ગાબડા પડવા તેમજ ઓવરફ્લો થવાની ઘટના ઘટે છે. નહેરની સાફ-સફાઈ અને સમારકામના કોટ્રાક્ટ આપ્યા હોવા છતાં પણ આ કપરી પરિસ્થિતિ સર્જાય છે. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સફાઈ તેમજ સમારકામ ન કરાતા હજારો લીટર પાણીનો બગાડ થાય છે. તેમજ ખેડૂતોના મહામૂલા પાકને પણ ભારે નુકસાન થાય છે. નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ કિસ્સાઓમાં વિભાગ અને અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે.
કેનાલમાં ચકાસણી વિના પાણી છોડવામાં આવ્યુંઃ સમી નજીક સીંગોતરીયા ગામ પાસેથી પસાર થતી રાફુ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડવા માં આવ્યું છે. જો કે કેનાલની સાફ સફાઈ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા કેનાલ ઓવર ફ્લો થઈ ગઈ હતી. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરીવળતાતા ખેતરોમાં એરંડા, જીરા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. રાજયના છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ્સ બનાવવામાં આવે છે. જો કે અધિકારીઓની ગંભીર બેદરકારી અને કોન્ટ્રાક્ટર સાથેની મીલીભગતને લીધે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડે છે.
અમે આ બાબતે અનેકવાર રજૂઆતો કરી છે પણ કંઈ પરિણામ આવતું નથી, અમને જે થાય તે કરી લો તેવા જવાબો આપવામાં આવે છે. મોડી રાત્રે હું સમયસર ખેતરે પહોંચી ગયો નહિતર મારો જીરાનો પાક બળી જાત. તેમ છતાં મને 1 વિઘામાં નુકસાન આવ્યું છે...મોહન ઠાકોર(ખેડૂત, સમી, પાટણ)