રાધનપુરઃ ગરીબ વર્ગના એક થી પાંચ વર્ષના બાળકોને શિક્ષણની સાથે આરોગ્ય તેમજ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કર્યા છે. જે ગામોમાં આંગણવાડીઓ નથી તે ગામોમાં નવી આંગણવાડીઓ તેમજ જર્જરીત આંગણવાડીઓને તોડીને નવી બનાવવા માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યા છે. જો કે રાધનપુરના કલ્યાણપુરાની આંગણવાડીના મકાનના બાંધકામમાં ગેરરીતી થઈ રહી હોવાની રાવ ઉઠી છે.
બાંધકામમાં ગેરરીતીઃ કલ્યાણપુરામાં આંગણવાડીના મકાન બાંધકામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકો પોકારી પોકારીને કહી રહ્યા છે. જેમાં બાંધકામમાં હલકી ગુણવત્તાના માલસામાનનો ઉપયોગ, બાંધકામમાં કાચી ઈટોનો ઉપયોગ તેમજ નવા પાયા ખોદયા સિવાય જૂના પાયા પર દિવાલ ચણી દેવી તેમજ ટેન્ડર અનુસાર કામગીરી ન કરવી જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે.
અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્યઃ સ્થાનિકો અને આંગણવાડી કાર્યકરોએ કોન્ટ્રાક્ટરને બહુ રજૂઆતો કરી છે. જો કે કોન્ટ્રાક્ટર પર કોઈકના ચાર હાથ અને મીઠી નજર હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિકોએ વહીવટી તંત્રમાં અનેક રજૂઆતો કરી છે પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.
ધરણાની ચીમકીઃ સ્થાનિકો હવે આ સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રમાં આવેદન પત્ર આપવાના છે. જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ નહિ આવે તો તેઓ ધરણાં પર પણ ઉતરશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
આંગણવાડીના મકાનના બાંધકામમાં કાચી ઈટો વાપરવામાં આવે છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો અમે 50થી વધુ સ્થાનિકો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જઈને ધરણાં કરીશું... મનુ ઠાકોર(સ્થાનિક, કલ્યાણપુરા, રાધનપુર)
પાછળની દિવાલ અને અન્ય ચણતર જૂના પાયા પર લેવામાં આવ્યું રહ્યું છે. અમે રજૂઆતો કરી તો કોન્ટ્રાક્ટરે બેફામ અને ઉડાઉ જવાબો આપ્યા છે...આંણવાડી કાર્યકર(કલ્યાણપુરા, રાધનપુર)