પાટણઃ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની પાટણ શાખા અત્યારે ટોક ઓફ ધી ડિસ્ટ્રિક્ટ બની ગઈ છે. આ બેન્કની પાટણ શાખામાં 2.47 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. આ ગુનામાં ધી કાનોસણ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ, મંત્રી, કારોબારી અને સભાસદો એમ કુલ મળીને 74 આરોપીઓ વિરુદ્ધ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ આ ગુનાની ગંભીરત પારખીને સઘન તપાસ હાથ ધરી છે.
સહકારી મંડળીએ આચરી ઠગાઈઃ સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે આવેલ ધી કાનોસણ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ, મંત્રી, કારોબારી અને 66 સભાસદો મળી કુલ 74 જણાએ પાટણ ખાતે આવેલી ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો- ઓપરેટિવ બેન્કમાંથી વિવિધ પ્રકારની લોનનો લીધી હતી. આ લોન લેવા માટેના સાધનિક કાગળો અને ખોટા દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરી રૂપિયા 2.47 કરોડ ખંખેરી લીધા હતા. આ લોનની રકમ પરત ન ભરી સહકારી મંડળીએ બેન્ક સાથે છેતરપીંડી કરી છે.
74 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદઃ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની પાટણ શાખાના વિભાગીય ઈન્સ્પેક્ટર ગૌરવ ઠાકોરે ધી કાનોસણ સેવા સહકારી મંડળીના કુલ 74 સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સાથે સભાસદો એમ કુલ મળીને 74 આરોપીઓ(તમામ રહે. કાનોસણ તા.સરસ્વતી)નો સમાવેશ થાય છે. આરોપીઓએ તા. 4/1/2018થી તા. 17/6/2021 સુધીમાં ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની પાટણ શાખામાંથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકાર લોનો મેળવી હતી. જેમાં મધ્યમ દૂધાળા ઢોર, મકાન બાંધકામ, ગોડાઉન બાંધકામ હેડ નીચેની લોનો લીધી હતી. આ લોન ધિરાણ સને 2021-22માં આપ્યા બાદ એક વર્ષનો સમય ગાળો પૂર્ણ થતા સને 2022-23ની સાલમાં ફરી કાનોસણ સેવા સહકારી મંડળી દ્વારા kcc લોન લેવા બેંકમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા. જો કે આ પુરાવા અને દસ્તાવેજોમાં નકલી સહી સિક્કાવાળા હતા. આ ઠગાઈની જાણ થતાં જ બેન્ક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડના વિભાગીય ઈન્સ્પેક્ટર ગૌરવ ઠાકોરે ધી કાનોસણ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો અને સભાસદો મળી કુલ 74 સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 120બી 114 મુજબ ગુનો નોંધી વધુ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે...કે. કે.પંડ્યા(ડીવાયએસપી, પાટણ)