પાટણ: પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આજે સવારે પોતાના વાહનોમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળ્યા હતા ત્યારે હાઇવે માર્ગ ઉપર રસ્તામાં એક વિકલાંગ મહિલાને અકસ્માત નડતા તે હાઈવે પર દર્દથી કણસતી હતી. જે જોઈ ઉમેદવાર પોતાનું વાહન રોકાવી આ વિકલાંગ મહિલા પાસે દોડી આવ્યા હતા અને તેમને સાત્વના આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ. કોંગ્રેસના ઉમેદવારે સાચા અર્થમાં લોક સેવક તરીકેની ફરજ બજાવી હતી.
ચંદનજી ઠાકોરે કર્યુ લોકસેવાનુ કામ: પાટણ તાલુકાના સાગડીયા ગામે રહેતા અને સરસ્વતી તાલુકાના કોટાવડ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ઉર્મિલાબેન પટેલ નામની વિકલાંગ મહિલા આજે સવારે નિયતક્રમ મુજબ પોતાનું થ્રિ વ્હીલર લઈને ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન પાલડી અઘાર હાઇવે પર આ થ્રી વ્હીલરનું એક ટાયર એકાએક છૂટું પડી જતા મહિલા રોડ ઉપર ઉથલી પડી હતી. જેથી તેને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર ઈજાઓ થવા પામી હતી. સુમસામ હાઈવે પર આ મહિલા દર્દથી પીડાતી હતી તે સમયે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના ચૂંટણી પ્રચાર માટે વાહનોના કાફલા સાથે જઈ રહ્યા હતા. તેઓની નજર રોડ ઉપર પડેલી આ મહિલા ઉપર જતા તેઓએ તાત્કાલિક પોતાનું વાહન ઉભું રખાવી મહિલા પાસે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સાત્વના આપી તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
ચંદનજી ઠાકોરની આ માનવતાલક્ષી કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તેમની સરાહના કરી હતી