પાટણ : હારીજ ચાણસ્મા હાઇવે રોડ ઉપર દાતરવાડા નજીક ગત મોડી રાત્રે સંઘ લઈને વરાણા જઈ રહેલા પદયાત્રીઓને ટેમ્પો ચાલકે ટક્કર મારતા ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટેમ્પો ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વરાણા ખોડીયાર મંદિર પગપાળા સંઘ નીકળ્યો હતો : પાટણ જિલ્લાના વરાણા ખાતે હાલમાં આઈ શ્રી ખોડીયાર માતાનો મીની કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં વઢીયાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સંઘો લઇને માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ બહુચરાજી તાલુકાના અંબાલા ગામેથી ઠાકોર સમાજના 35 જેટલા લોકો મા ખોડીયારનો રથ લઈ જય ખોડીયારના નાદ સાથે વરાણા તરફ પ્રસ્થાન કર્યું હતું. મોડી રાત્રે આ સંઘ હારીજ તાલુકાના દાતરવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો.
હાઈવે રક્તરંજીત થયો : તે દરમિયાન પાછળથી માટેલા સાંઢની જેમ આવી રહેલ ટેમ્પોના ચાલકે પોતાની ગફરત ભરી રીતે હંકારી આગળ જઈ રહેલા પદયાત્રીઓ ઉપર ફેરવી દેતા ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. મહિલાઓના મોતથી હાઇવે રક્ત રંજિત થયો હતો. તો અન્ય પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા ચીચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સરવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. મૃતકોમાં પૂજાબેન જયરામજી ( ઉ. 20 )રોશનીબેન જગાજી ( ઉ. 16 ) અને શારદાબેન કડવાજી ( ઉં. 62 )નો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં 1મહેન્દ્રભાઈ ઠાકોર ( ઉં. 25 )2 રાહુલભાઇ મગનજી ઠાકોર ( ઉ 18 )3 નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર ( ઉ 13 ) 4 સવિતાબેન નાગજી ઠાકોર ( ઉ 45 ) 5 સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર ( ઉ 18 )ના નામ છે.
ટેમ્પોચાલક ફરાર : અકસ્માતને પગલે આઇસર ચાલક પોતાનો ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો. પદયાત્રીઓને ચાલકે મારેલ ટક્કર એટલી તીવ્ર હતી કે માતાજીનો રથ રોડની સાઈડ ઉપર આવેલી ચોકડીઓની ઝાડીઓમાં જઈ પડ્યો હતો. આ અંગેની જાણ હારીજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશનું પંચનામું કરી પીએમ.અર્થે હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
ચાલકને ઝડપવા પોલીસની કવાયત : હારીજ પી.આઈ ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે બહુચરાજી તાલુકાના આંબાપુરા ગામેથી રાત્રે 9:00 વાગે પદયાત્રા સંઘ નીકળ્યો હતો જે પાટણ જિલ્લાની હદમાં રાત્રે એક વાગે પહોંચ્યો હતો તે દરમિયાન આઇસર ગાડીના ચાલકે પાછળથી ટક્કર મારતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે પોલીસે આ અંગે ગુનો નોંધી આઇસર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.