જૂનાગઢ : ગઈકાલે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાન સંપન્ન થયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર જૂનાગઢ લોકસભા બેઠક પર 58.87 ટકા જેટલું મતદાન થયું છે, જે ગત વર્ષ કરતાં બે ટકા ઓછું છે. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકની સ્થિતિ મતદાન બાદ ભરેલા નાળિયેર જેવી છે. જોકે જેના પર ખુલાસો ચોથી જૂને મત ગણતરી બાદ થશે...
ભરેલા નાળિયેર જેવી સ્થિતિ : ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ જૂનાગઢ લોકસભા બેઠક પર 58.87 ટકા જેટલું મતદાન થયું છે. જેની સરખામણી વર્ષ 2019 ના મતદાન સાથે કરવામાં આવે તો તેમાં 2 ટકા કરતાં પણ વધારે ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે બે ટકા મતદાનનું પરિવર્તન કોઈપણ પાર્ટીને સત્તા પરથી દૂર અને વિપક્ષ પાર્ટીને સત્તા સુધી પહોંચાડી શકે છે. આવી પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠક હાલ ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં જોવા મળે છે. 4 જૂના સામે આવશે કે જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ જાળવી રાખવામાં સફળ થાય છે કે કોંગ્રેસ આ બેઠક આંચકી લેવામાં સફળ થશે.
સાત વિધાનસભા બેઠકનો સમાવેશ : જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢની સાથે વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના એમ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદાન સોમનાથ વિધાનસભા બેઠક પર 70.16 ટકા નોંધાયું છે. તો વિસાવદર વિધાનસભા બેઠક પર 46.58 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે. મહિલા અને પુરુષની સૌથી વધારે મતદાનની ટકાવારીમાં પણ સોમનાથ વિધાનસભા સૌથી આગળ છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને લોકસભામાં જીતનો દાવો કરી રહી છે. પરંતુ બે ટકા ઓછું મતદાન કોના માટે નફા કે નુકસાનકારક સાબિત થશે, તેનો ખુલાસો 4 જૂને થશે.
ઇતિહાસનું પુનરાવર્તન ? 2004 લોકસભાની ચૂંટણીમાં પણ બિલકુલ આ જ પ્રકારે મતદાન થયું હતું. જે તે સમયે સત્તા સ્થાને રહેલી કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં જોવા મળી હતી અને મતદાનની ઓછી ટકાવારી કોંગ્રેસ કરતા ભાજપને વધું નુકસાનકારક સાબિત થઈ હતી. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર ઘટેલી મતદાનની ટકાવારી ન માત્ર ઉમેદવાર પરંતુ રાજકીય પંડિતો માટે પણ ખૂબ જ રસપ્રદ બની રહી છે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી : જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 53.93 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વિધાનસભા ચૂંટણી કરતા 8 ટકા ઓછું છે. 2023 માં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવવામાં સફળ રહ્યા હતા, હવે પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે. જવાહર ચાવડા ચૂંટણી જંગમાં નથી. ત્યારે મતદાનમાં થયેલો 8 ટકાનો ઘટાડો અરવિંદ લાડાણી માટે નુકસાનકારક કે લાભદાયી થશે તેના પર નજર છે. સામાન્ય રીતે માણાવદર વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ પાછલી ત્રણ ચૂંટણીથી વિધાનસભા બેઠકમાં પક્ષ પલટાની મોસમ છે. જોકે આ વખતે મતદારોનું મૂડ શું છે તે 4 જૂનના રોજ સામે આવશે.