ગાંધીનગર: રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે. રાજ્યભરમાં ફેલાયેલા વિરોધથી પરસોતમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જો કે રુપાલા માટે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. રૂપાલાને ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે.
સમાજ વિરુદ્ધ ટીપ્પણીનો વિવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપુત સમાજ સામે આપેલા નિવેદનનો વિવાદ થયો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે.
ઈસીની ક્લિનચીટ પણ સમાજમાં વિરોધ યથાવતઃ ચૂંટણી પંચ તરફથી તો રુપાલાને ક્લિનચીટ મળી ગઈ છે, પરંતુ રાજપૂત સમાજના આગેવાનો હજી પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો દ્વારા રૂપાલાની ટિકિટ કાપવાની માંગ બળવત્તર કરી રહ્યા છે.
પાટીલની અપીલઃ તાજેતરમાં ભાપજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા પણ રાજપૂત સમાજના આગેવાનોને રૂપાલાને માફ કરી દેવા જણાવ્યું હતું. જો કે આ સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવાની તૈયારીઓ બતાવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય તેના પર સૌ કોઇની નજર રહેશે.