જામનગર: ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં આ અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું કે, રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા તૈયાર નથી. 7મી મેના રોજ યોજનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે રાજપૂત સમાજના ભાઈઓ તેમજ બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી જશે. રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મરથ ગામડે ગામડે ફેરવવામાં આવી રહ્યો છે અને પાર્ટ 3 પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
![રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા તૈયાર નથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/gj-jmr-01-andolan-10069-mansukh_04052024131932_0405f_1714808972_956.jpg)
નવી સમિતિ બનાવાશે: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજયભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન વેગવાન બની રહ્યું છે. ત્યારે શુક્રવારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં જામનગર સહિત ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજ, કરણીસેનાના આગેવાનો અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મંત્રીઓએ સરકારને સમજાવાનો પ્રયાસ કર્યો છતાં તેમના પેટનું પાણી હલ્યું નથી.