ગાંધીનગર: સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષાનું ભાડું એક એવો મુદ્દો છે કે જે આજના સમયમાં ખાસ તો મધ્યમવર્ગના વાલીને સ્પર્શે છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડાનો મુદ્દો ફરી ચર્ચામાં છે કારણ કે હવે શાળાઓ શરૂ થઈ છે. ગાંધીનગરના સ્કૂલ વર્ધી એસોસિએશને હવે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં કિલોમીટર દીઠ ભાડું વધાર્યું છે. સ્કૂલ રિક્ષાનું કિલોમીટર દીઠ 100 રૂપિયા જ્યારે સ્કૂલ વાનનું ભાડું કિલોમીટર દીઠ 200 રૂપિયા વધારવામાં આવ્યું છે.
એસોસિએશન પાસે એ સવાલનો જવાબ નથી કે કાયદાકીય પાલન માટે થતા ખર્ચની વસૂલાત વાલીઓ પાસેથી શા માટે કરવી. શાળાની ફી સરેરાશ 20 થી 25 હજાર ગણીએ તો સામે પક્ષે સ્કૂલ વાન કે રિક્ષાનું વાર્ષિક ભાડું પણ લગભગ એટલું જ થાય છે. અધૂરામા પુરુ એ વાત પણ કોઈનાથી છૂપી નથી કે શૈક્ષણિક સત્રના બંને વેકેશનમાં સ્કૂલવર્ધીવાળા વેકેશનનું ભાડું પણ એડવાન્સ જ વસૂલી લે છે. 'RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજારનો બોજો આવતા આ ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરી દેવામાં આવશે.'
તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી એક સ્કૂલ વાનની તસ્વીર વાયરલ થઈ હતી જેમાં બાળકો CNG કીટ ઉપર બેઠા હતા. કદાચ વધુ રિયાલીટી ચેક કરવામાં આવે તો આવી જીવલેણ બેદરકારી અન્ય જગ્યાએ પણ જોવા મળવાની જ છે. હવે પાયાનો પ્રશ્ન એટલો જ આવે છે કે મધ્યમવર્ગના વાલીના ખિસ્સે ભાર તો નક્કી જ છે પણ તેની સામે સ્કૂલવર્ધી એસોસિએશને જે જવાબદારી લેવાની થાય અથવા તો વાલી અને તેના બાળકને જે સુચારુ સુવિધા આપવાની થાય તે અપાશે ખરી?
સ્કૂલ રીક્ષા ડ્રાઇવરે જણાવ્યું કે, અમે 3 વર્ષથી ભાડા વધારો કર્યો નથી. 3 વર્ષમાં સીએનજી, પેટ્રોલ, ડીઝલનાં ભાવ વધ્યા છે. આરટીઓ રજીસ્ટ્રેશન અને પાર્સિંગ ખર્ચ વધ્યો છે. તેમજ આરટીઓની કાર્યવાહીનો ખર્ચ 50 હજાર જેટલો છે. અમે ખર્ચને પહોંચી શકીએ એટલે ભાવ વધાર્યો છે. આરટીઓ સબંધી કાર્યવાહી માટે અમને મુદ્દત આપવામાં આવે છે. આરટીઓની કાર્યવાહી સબંધે 3 થી 4 મહિનાની મુદ્ત આપવામાં આવે છે. ભાવ વધારામાં વાલીઓ અમને સહકાર આપે.
શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થતા વાલીઓ પર મોંઘવારીની માર પડી છે. યુનિફોર્મ, સ્ટેશનરી, સ્કૂલ વાહન ભાડા, સ્કૂલ શૂઝ સહિતની દરેક વસ્તુમાં 10 ટકાથી લઈને 30 ટકા સુધી ભાવ વધ્યા છે. કાગળના ભાવ વધતા તેની અસર નોટબુક અને ચોપડા ઉપર પણ પડી છે. તે ઉપરાંત પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના પણ ભાડામાં વધારો થયો છે. વાલીઓને ચીજ વસ્તુની ખરીદીમાં સરેરાશ એક વિદ્યાર્થી દીઠ 1500 થી 1700 રૂપિયાનો વધુ ખર્ચ થઈ રહ્યો છે.
નોટબુક અને કાગળના ભાવમાં વધારો થયો છે. 140 પેજના ચોપડાનો ભાવ ગત વર્ષે અંદાજિત રૂપિયા 35 હતો. તેમાં રૂ.10 નો વધારો થતા 45 થયો છે. તેવી જ રીતે 20 રૂપિયામાં મળતી નોટના ભાવ 30 રૂપિયા થયા છે. ખાનગી પ્રકાશકોને ગાઈડ, સ્વાધ્યાયપોથી, પ્રેક્ટિસ બુકના ભાવમાં પણ વધારો થયો છે. તે ઉપરાંત સ્ટેશનરીમાં પણ વધારો થયો છે. પુસ્તકો, પેન્સિલ, રંગો કાગળ વગેરેનો ભાવ વધ્યો છે.
સ્કૂલ યુનિફોર્મ અંદાજિત 20 થી 30 ટકા મોંઘા થયા છે. કાપડનો ભાવ અને સિલાઈના ભાવમાં વધારો થતા તેની સીધી અસર યુનિફોર્મની કિંમત ઉપર પડી છે. જે યુનિફોર્મ ગત વર્ષે 350 રૂપિયામાં મળતા હતા તે યુનિફોર્મની અત્યારે કિંમત અંદાજિત 500 રૂપિયા થઈ છે. જે યુનિફોર્મ 500 માં મળતા હતા તેની અંદાજિત કિંમત હાલમાં 750 સુધી વધી છે. સ્કુલ બેગના ભાવમાં પણ વધારો થયો છે. સ્કુલ બેગના ભાવો પણ 100 થી 200 સુધી વધ્યા છે. તેવી જ રીતે સ્કૂલ શુઝના ભાવમાં પણ 10% જેટલો વધારો થયો છે. આમ મોંઘવારીની માર સહન કરી રહેલા વાલીઓને નવા સત્રમાં વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે.
ગાંધીનગર સ્કૂલ વાહન એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશ પંડ્યાએ જણાવ્યું કે, સ્કૂલવાન સંચાલકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે. તેઓ કહે છે કે, આરટીઓ અને સરકારના નિયમને અનુસંધાનમાં જ અમે ચાલવા માંગીએ છીએ. તેથી અમે વાલીઓને અપીલ કરવા માંગીએ છીએ કે નિયમ કાયદાઓ કડક થતા થોડો ઘણો ભાવ વધારો થાય તો અમને સહકાર આપો. અમે સરકારને અપીલ કરીએ છીએ કે નિયમો અંગે અમને થોડી મુદત વધુ આપવામાં આવે છે. કારણ કે મોટાભાગના સ્કૂલ વાહન ચાલકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. કેટલાક વાહન ચાલકોના વાહનો ઉપર લોન ચાલે છે તેથી અમને મુદત આપવામાં આવે.