કચ્છ: એક બાજુ રાજકીય પક્ષો અને ઉમેદવારો લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ ભભૂકી રહ્યો છે. ઠેર ઠેર રૂપાલાના નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ભુજ વિધાનસભાના માધાપર નવાવાસ તથા માધાપર જુનાવાસ મધ્યે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો: માધાપર ખાતેના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદનને લઈને વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કાર્યાલય ઉદ્ઘાટન વખતે વિરોધ થવાની શક્યતાના પગલે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોએ ભાજપ વિરોધી નારા લગાવતા અને વિરોધ નોંધાવતા પોલીસે 16 જેટલા લોકોની અટકાયત કરી છે.
મહિલાઓએ વિરોધ નોંધાવ્યો: ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ નોંધાવ્યો હતો અને અટકાયત કરેલ લોકોને પોલીસવાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકોએ પોલીસવાનમાં પણ ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં હજુ પણ દરેક જગ્યાએ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે અને અસ્મિતા આંદોલન ચલાવવામાં આવી રહ્યો છે. ભાજપ વિરોધી મતદાન કરવા માટે પણ ક્ષત્રિય સમાજ અપીલ કરી રહ્યું છે.