મહીસાગર : અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આ વાતને મહીસાગર જિલ્લાના દેગમડા ગામના મનોદિવ્યાંગ રમતવીરે સાર્થક કરી છે. શૈલેષ પગીએ રાષ્ટ્રીય કક્ષાએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મહીસાગર જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત પાવર લિફ્ટિંગ સ્પર્ધાની અલગ અલગ ત્રણ કેટેગરીમાં જબરદસ્ત પ્રદર્શન કરી શૈલેષ મોહનભાઈ પગીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે.
મનોદિવ્યાંગ રમતવીરની અસાધારણ સિદ્ધિ : શૈલેષ પગીની આ સિદ્ધિ બદલ મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીએ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હર સંભવ સહયોગ આપવાની ખાતરી આપી હતી. તેમણે વિશિષ્ટ શિક્ષકો તેમજ સહયોગી સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રયાસોની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, સરકારના અભિગમથી છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે અંતરિયાળ વિસ્તારના અનેક પ્રતિભાશાળી ખેલાડી બહાર આવી રહ્યા છે તે ખૂબ ખુશીની વાત છે.
કઠોર તાલીમ અને અભ્યાસ : મહીસાગર જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશિયલ ઓલમ્પિક ભારત-ગુજરાત દ્વારા આયોજિત વિવિધ ઇવેન્ટમાં 16 થી 21 વર્ષની ઉંમરના ખેલાડીઓની એબીલીટી સ્કિલ ટેસ્ટ યોજાઈ હતી. તેમાં પાવર લિફટિંગ ઇવેન્ટમાં દેગમડા ગામના શૈલેષ પગીએ જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યું હતું. શૈલેષ પગીનું રાજ્યકક્ષાએ સિલેક્શન થતા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ દાહોદની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના સહયોગથી તાલીમની વ્યવસ્થા કરીને નિયમિત તાલીમ આપવામાં આવી હતી.
![મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ અપાવ્યું ગુજરાતને ગૌરવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-03-2024/20926160_1_aspera.jpeg)
રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ મેડલ જીત્યા : કઠોર તાલીમના પરિણામે રાજ્યકક્ષાએ પાવર લિફટિંગમાં સારું પ્રદર્શન કરતા શૈલેષ પગીને નેશનલ કક્ષાએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાગ લેવાની તક મળી હતી. જ્યાં શૈલેષ પગીએ પાવર લિફટિંગ બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ, ડેડલિફ્ટમા ગોલ્ડ અને સ્વોટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
ખેલ મહાકુંભમાં પણ અવ્વલ : અગાઉ મધવાસ કલસ્ટરના વિશિષ્ટ શિક્ષક દિનેશ સથવારાના માર્ગદર્શનમાં શૈલેષ પગીએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દોડની રમતમાં રાજ્યકક્ષા સુધી સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેની આ સિદ્ધિ બદલ તેની પૂર્વ શાળા નવસર્જન હાઇસ્કુલ સર્વોદય કેળવણી મંડળ પરિવારે પણ ગૌરવની લાગણી સાથે શુભેચ્છા પાઠવી હતી.
પરિવારમાં ખુશીની લાગણી છવાઈ : ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા શૈલેષ પગીના પરિવારે પાવર લીફટીગની રમતમાં તેના આ જોરદાર પ્રદર્શનથી ખુશીની લાગણી અનુભવતા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ઉજાગર કરવાના સરકાર અને વહીવટી તંત્રના પ્રયાસો અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
મહીસાગર જિલ્લાનું ગૌરવ : જિલ્લાના મનોદિવ્યાંગ રમતવીરને શુભેચ્છા પાઠવવાના પ્રસંગે કલેકટર કચેરી ખાતે પ્રોબેશનલ IAS અધિકારી મહેંક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેનાત સહિત સ્પેશ્યલ ઓલિમ્પિક્સ મહીસાગર જિલ્લાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર નવીન પટેલ, જી & ડી મેનેજર બાબુભાઈ પરમાર, આસિ. મેનેજર પરેશ પટેલ, પીયૂષ સેવક જિલ્લા કક્ષાએ દિવ્યાંગ બાળકો માટે સતત કામ કરતા સ્પેશ્યલ ટીચર વતી ઉપસ્થિત રહ્યા હતા.