ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી બે યુવકોના ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. ગઈકાલે બનેલા બનાવને પગલે શોધખોળ ચાલુ હતી. ત્યારે બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી હતી.
શેત્રુંજી ડેમમાં નાહવા પડેલા બે યુવાનના મોત: ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામના રહેવાસી પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં ત્રણ જેટલા યુવાનો નાહવા પડયા હતા. જોકે ત્યારબાદ બે યુવાનો ગુમ થયા હોવાનું સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા તપાસનો અને શોધખોળનો દૌર શરૂ થયો હતો. બનાવને લઈને ગઈકાલ સાંજના પાલીતાણા ફાયર વિભાગ અને મામલતદારની ટીમ સ્થળ પર પોહચી ગઈ હતી. ફાયર વિભાગે શોધખોળ પણ હાથ ધરી હતી. જો કે બીજા દિવસે બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
બંને યુવાનો પાલીતાણાના રહેવાસી: પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નાહવા પડતા અનેક લોકોના ડુબવાથી મૃત્યુ થવાના બનાવો બની ચૂક્યા છે, ત્યારે તાજેતરમાં જ નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનો ડૂબી જતા મૃત્યુ પામ્યા છે. શેત્રુંજી ડેમ ઉપર હાજર સિંચાઈ વિભાગના અધિકારીએ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે જે બે યુવાનો છે તેને તરતા આવડતું હતું. જેમાં જામવાળી દરવાજા પાસે રહેતા સકલેન સાદીકભાઈ અબડા 17 વર્ષીય અને મોયુદ્દીન મોહમ્મદભાઈ અબડા 24 વર્ષીય તળાવ વિસ્તારના રહેવાસી છે. બંનેના મૃતદેહને બહાર કાઢીને પાલીતાણા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.