પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુરનું હાઇવે સર્કલ પર ટ્રાફિક એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. બાયપાસ માટે 100 મીટર જમીન સંપાદન કરવામાં આવશે જોકે ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદન 30 મીટર હોવું જોઇએ અને જો જમીન સંપાદન 30 મીટર નહીં કરવામાં આવે તો અનિશ્ચિત મુદતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
50 ખેડૂત જમીન વિહોણાં : ખેડૂતપાલનપુર હાઇવે સર્કલ બાયપાસ માટે જમીન સંપાદન મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ખેડૂતોએ તેમાં જણાવ્યું છે કે પાલનપુર સિટી માટે પાલનપુર બાયપાસ ફોર લેન રોડ બનાવવાની જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમાં 15 ગામોનો સમાવેશ થાય છે તેમાં 60થી 100 મીટર સુધીના જમીન સંપાદન કરવામાં આવે છે. થરાદથી ગાંધીનગર ભારત માલા છ લેન રોડ બનાવવામાં જમીન સંપાદન 60 મીટરનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો પાલનપુર સિટીના બાયપાસ આટલી મોટી જમીન સંપાદન કરવામાં આવે તો 50 જેટલા ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. તો આ જમીન સંપાદન 30 મીટર કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોણા ન બને અને બાકી રહેતી જમીન પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે જેથી અમારી રજૂઆતને ગુજરાત સરકાર તત્કાલિક જમીન સંપાદનનો ઘટાડો કરી ખેડૂતોની માંગણી ધ્યાનમાં લઇ નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી કિસાન સંઘ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરી છે... માવજીભાઈ લોહ (પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા)