બનાસકાંઠા: કોઈ કે બહુ જ સરસ કહ્યું છે કે "મજહબ નહીં સિખાતા આપસ મે બેર રખના હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા" અને કંઈક આવા જ દ્રશ્યો પાલનપુરમાં જોવા મળી રહ્યા છે. પાલનપુરમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તર પ્રદેશના મથુરાથી આવી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દશેરામાં દહન કરવા માટે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કામગીરી કરે છે. તેમની અદભુત કલાકારીથી ખુશ થઈ પાલનપુર રામસેવા સમિતિ દ્વારા છેલ્લા 25 વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારને આ કામગીરી સોંપવામાં આવે છે.
35 થી 40 દિવસ પાલનપુરમાં જ રોકાય: મથુરાથી મુસ્લિમ પરિવારના 12 સભ્યો દર વર્ષે નવરાત્રિ પહેલા પાલનપુર આવી જાય છે અને 35 થી 40 દિવસ પાલનપુરમાં જ રોકાઈ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની કલાકારીગરી કરે છે. ઉત્તર પ્રદેશથી પાલનપુરમાં આવતા આ મુસ્લિમ પરિવાર પોતાની બહેન, દીકરી અને પત્ની સાથે પાલનપુર આવે છે. છતાં તેમને કોઈ જ પ્રકારનો ભય, ડર કે કોઈ સંકોચ થતો નથી. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આવતા આ મુસ્લિમ પરિવાર અને રામ સેવા સમિતિ વચ્ચે વિશ્વાસ અને સુરક્ષાના સંબંધો બંધાયા છે. અહીંયા રોકાતા મુસ્લિમ મહિલા સભ્યો સહિત તમામને જરૂરી સગવડો પણ રામ સેવા સમિતિ જ પૂરી પાડે છે.
51- 51 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા: પાલનપુરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાની જવાબદારી લેનારા સુલેમાનભાઈના દાદા પણ પાલનપુરમાં આવીને કામગીરી કરતા હતા. હવે સુલેમાનભાઈ અને તેમના દીકરાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ કલા કારીગરીમાં મુસ્લિમ પરિવારના સુલેમાન ફારુકી, સુલતાન ફારૂકી, ઈકરામ સૈયદ અને સમીર ફારૂકી સહિત મહિલા સભ્યો પણ જોતરાઈ દિવસે 8 કલાક અને રાત્રે 7 કલાક સતત કામગીરી કરી 35 થી 40 દિવસમાં 61 ફૂટનો રાવણ અને 51- 51 ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા તૈયાર કરે છે.
તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે: આ ત્રણેય પૂતળા બનાવવામાં આશરે 200 વાસ, 100 કિલો મેંદો, 300 કિલો પેપર, 50 કિલો રંગીન પેપર, 50 કિલો સુતળી, 50 કિલો દોરો અને 100 જેટલા સાડીના કપડાની જરૂર પડે છે. જોકે રામ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં આવીને કામગીરી કરનારા આ મુસ્લિમ પરિવારને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.
ભારત દેશની એકતા હંમેશા જળવાઈ રહેશે: એટલે કે દેશમાં એક તરફ ધર્મના નામે રાજકારણ તેજ છે. અમુક લોકો માત્ર પોતાની ખુરશીઓ બચાવવા માટે ધર્મનું ઝેર ઓકી રહ્યા છે અને દેશની એકતા અને અખંડતા તોડવા માટેના કાવાદવા કરતા હોય છે, પરંતુ જ્યાં સુધી આવા મુસ્લિમ અને હિન્દુ સેવા સમિતિના લોકો દિલથી એક બની તમામ નાત-જાતિ અને ધર્મના સીમા તોડી માત્ર માનવતાનો ધર્મ નિભાવશે ત્યાં સુધી આપણા ભારત દેશની એકતા હંમેશા જળવાઈ રહેશે. ભાઈચારોનો નાતો ક્યારેય નહીં તૂટે અને આ રીતે જ મુસ્લિમ પરિવાર રાવણ બનાવશે અને હિન્દુ સમાજના લોકો તેનું દહન કરી દશેરાનો તહેવાર ઉજવાતા રહેશે.
આ પણ વાંચો: