રાજકોટ: છેલ્લા બે દિવસથી ભૂખ્યા અને તરસ્યા આગકાંડમાં ભોગ બનેલાના પરિજનો સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠા છે. અધિકારીઓ દ્વારા તેમના સ્વજન અંગે યોગ્ય જવાબ ન મળતા પરિવારજનોમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.
25 મે, 2024ના રોજ કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગવાની 28 લોકોના મૃત્યું થયા હતાં. આ અગ્નિકાંડના 48 કલાકથી વધુ સમય વીત્યા છતાં પણ અનેક પરિવારને પોતાના સ્વજનનો પત્તો લાગ્યો નથી. બીજી તરફ બળીને કોલસા સમાન બની ગયેલા મૃતકોની ઓળખ પરિજનોના DNA રિપોર્ટથી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી માત્ર ગુમ સ્વજનની ભાળ મેળવવા અને મૃતદેહ લેવા માટે અનેક પરિજનો સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠા છે.
ગઈકાલે 27 મે, 2024ના રોજ અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આગકાંડમાં ભોગ બનનાર પરિજનોમાં રોષ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ સમયે સિસ્ટમના લીધે ભોગ બનનારા પરિજનોને હાજર અધિકારીઓ સિસ્ટમ અને કામગીરીના પાઠ ભણાવી રહ્યાં હતા.