અમદાવાદ: જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનોએ મીડીયા સમક્ષ લોકોની સમસ્યાઓના પ્રશ્નોને ઉજાગર કરવા માટે ચર્ચા કરી હતી ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડીયાને જણાવ્યું કે, કોંગ્રેસ લોકોના પ્રશ્નોનો નિકાલ લોકોની વચ્ચે જઇને તેનો નિકાલ કરે છે.
કોંગ્રેસ દ્વારા યાત્રા કાઢવામાં આવશે: પ્રદેશ પ્રમુખે કહ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે લોકોની મદદ કરવામાં આવી હતી. રાજકોટ, મોરબી, સુરત અને વડોદરામાં બનેલી ભયાનક ઘટનાઓમાં લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમના પીડીત પરિવારોને ન્યાય મળ્યો નથી ત્યારે કોંગ્રેસ દ્વારા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવેલ છે.
કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા અપાશે: આ ઉપરાંત જે પરિવારની ભાળ લેવાતી નહોતી તે પરિવારની સાથે કોંગ્રેસે ઉભા રહીને લોકોના પ્રશ્નોને વાચા આપી છે. ગુજરાતના લોકોએ કોંગ્રેસની યાત્રાને વધાવીને પોતાના પ્રશ્નોને સામે રાખ્યા છે. આ યાત્રામાં એક ઘડો મૂકવામાં આવ્યો છે તેમાં લોકોના કોઇ પ્રશ્નો હોય તેને ઘડામાં મૂકવામાં આવ્યા છે, વિધાનસભાને લગતા પ્રશ્નો ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ઉઠાવશે, સાંસદોને લગતા પ્રશ્નો હું અને ગેનીબેન ઠાકોર સંસદમાં ઉઠાવીશું ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું એપી સેન્ટર બનતું જાય છે.
ભાજપના નેતાઓનું ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાણ: આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધતો જાય છે તે ભાજપને પણ ધનની આપૂર્તિ કરે છે. સુરતમાં ભાજપના નેતાઓ સાથે બીજા લોકો ડ્રગ્સના આરોપી તરીકે તેમના નામ સામે આવ્યા છે, IBનું કામ છે કે એવા લોકોને પકડે જે ડ્રગ્સનો વેપાર કરે છે પણ તે વિપક્ષ શું કરે છે તેનું ધ્યાન રાખે છે.
યાત્રામાં કેન્દ્રના નેતાઓ હાજર રહી શકે: કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી આ યાત્રા ચાલશે. હિંડનબર્ગના રિપોર્ટના લીધે સેબીના ચેરમેનનું રાજીનામું માંગવામાં આવશે. તેના પર વિરોધ કરવામાં આવશે. લોકો અને અનેક આગેવાનો આ યાત્રામાં જોડાશે. ગાંધીઆશ્રમથી આ યાત્રા નીકળશે અને ચાંદખેડા પહોંચશે. ત્યા લોકોના પ્રશ્નોનું સંકલન કરવામાં આવશે. આ યાત્રાની પૂર્ણાહૂતિ દરમિયાન કેન્દ્રના નેતા જયરામ રમેશ કે પવન ખેરા હાજર રહી શકે છે.