રાજકોટ: રાજકોટમાં વૃદ્ધ મહેન્દ્રકુમાર (મનુભાઈ) ગોવિંદજી રાયચુરાને હોસ્પિટલે દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમે તેમને બ્રેઇનડેડ જાહેર કરતા તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત તેમના પરિવારની ઈચ્છા અને ભાવનાબેન મંડલી, ડૉ.દિવ્યેશભાઈ વિરોજા અને મિત્તલભાઈ ખેતણીના સંકલનથી અંગદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલીએ જણાવ્યું હતું કે, આ રાજકોટનું 114 નંબરનું અંગદાન છે. મહેન્દ્રકુમાર ગોવિંદજી રાયચુરાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારે અંગદાનનો નિર્ણય જાહેર કરતા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને મહેન્દ્રકુમારનાં કિડની, લીવર, ત્વચા તથા બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કરવાની જાગૃતિ ખૂબ ઓછી છે. સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે પહેલ કરતો નથી. મૃત્યુ પછી તો શરીર નિસ્તેજ બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો અન્ય કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇપણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઈ નિસબત નથી. કોઈ ભેદભાવ નથી. કોઈપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે.
ઉપરાંત, અંગદાન કરવાથી અંતિમવિધિમાં કોઇપણ પ્રકારની અડચણ થતી નથી. આ માટે જ અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે, અને મૃત્યુ પામનાર વ્યક્તિ અન્યના શરીરમાં જીવતો રહી શકે છે તેમજ એક નહીં પરંતુ, અનેક લોકોને નવજીવન આપી શકે છે. ત્યારે વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપીલ પણ તેમણે કરી હતી. અને આ માટે 24 કલાક તેમની ટીમો કાર્યરત હોવાનું જણાવ્યું હતું. આજના અંગદાનની કામગીરીમાં ડોકટરો તેમજ હોસ્પિટલનાં તમામ મેડિકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ એટલી જ લાગણી સાથે ભાવુક બનીને જોડાયા હતા.