ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની વાંચન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ORF પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં દરેક વર્ગખંડના એક એક વિદ્યાર્થીને ઓનલાઈન વાંચન કરાવી તેનું રેકોર્ડિંગ સરકારમાં મોકલવું ફરજિયાત છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ORF પદ્ધતિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે અહીંયા બીજી રીતે ક્યાંક શિક્ષકો ઉપર પણ આડકતરી રીતે સરકાર નજર રાખી રહી છે તેમ કહેવું પણ ખોટું નથી.
ORF પદ્ધતિઃ ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદાજે 55 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 23,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ORF એટલે કે ઓરલ રીડિંગ ફ્લુઅન્સી (Oral Reading Fluency) પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ORF સિસ્ટમ એટલે ઓરલ રીડિંગ ફ્લુઅન્સી. જે બાળકની વાંચનની ક્ષમતા માપવાની એક પદ્ધતિ છે. વાંચન ક્ષમતા વધારવાની પ્રક્રિયા પણ કહી શકાય. આરોહ અવરોહમાં ભૂલ હોય તો ઓનલાઇન તેને ભૂલ બતાવે છે. જો કે આ પદ્ધતિ ધો. 3થી 8ના બાળકો માટે અમલી બનાવાઈ છે. જે ખૂબ સારી બાબત છે.
પેરેગ્રાફની ફાળવણી ઓનલાઈનઃ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આશરે 23,000થી વધુ વિદ્યાર્થીઓ છે. આ દરેકે દરેક વિદ્યાર્થીઓને ORF પ્રમાણે વાંચન કરવાનું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નમ્બર 47ના આચાર્ય ભગવતી બાલધીયાએ જણાવ્યું હતું કે, સરકારની નવી શિક્ષણ નીતિ પ્રમાણે 2025સુધીમાં દરેક બાળકો વાંચન કરી શકે તેવું આયોજન કરાયું છે. ધો. 1 અને 2 માં નિદાન અને ઉપચારાત્મક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ધો. 3થી 8માં વાંચન સમીક્ષા પરીક્ષણના અનુસંધાને ઓનલાઈન પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં દરેક બાળક એટલે કે એક એક વિદ્યાર્થીનું વાંચન રેકોર્ડિંગ કરવામાં આવે છે. દરેક વર્ગના બાળકોને તેની કક્ષા પ્રમાણે પેરેગ્રાફ ઓનલાઈન મળે છે અને તેના વાંચનનું ઓનલાઈન રેકોર્ડિંગ થાય છે. જો કે દરેક બાળકને અલગ અલગ પેરેગ્રાફ આવે છે. જે તેના વર્ગખંડના અભ્યાસક્રમના જ હોય છે. જેમાં તેના નામ અને ધોરણ પ્રમાણે પેરેગ્રાફ મળે છે અને રેકોર્ડિંગ સબમિટ કરવામાં આવે છે.
શિક્ષકોનું પણ મૂલ્યાંકન થશેઃ ORF પદ્ધતિમાં ઓનલાઈન પેરેગ્રાફની ફાળવણી થાય છે અને આ વાંચનનું રેકોર્ડિંગ પણ થાય છે. આથી બાળક વાંચવામાં એક વખત ભૂલ કરે તો તેની ભૂલને દર્શાવવામાં આવે છે અને બીજી તક આપવામાં આવે છે. બે થી ત્રણ ભૂલ બાદ તક મળતી નથી. જો વિદ્યાર્થીને વાંચન આવડતું જ નહીં હોય તો તેની પોલ ખુલશે કારણ કે, ORFમાં બાળકના નામ દીઠ પેરેગ્રાફનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે કયા વર્ગખંડનો કયો બાળક વાંચનમાં નબળો છે. તેના શિક્ષકોની સામે સવાલ જરૂર ઊભા થશે. એમ કહેવામાં કશું ખોટું નથી કે ORF પદ્ધતિથી શિક્ષકોની કામગીરી ઉપર પણ આડકતરી રીતે સરકાર સીધી નજર રાખી રહી છે.