પોરબંદર: આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે ત્યારે પોરબંદર શહેરમાં રામનવમીની શોભા યાત્રા નીકળશે. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત માધવપુરમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં પણ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં યોજાનાર રામનવમી નિમિત્તે શોભા યાત્રામાં સતત પોલીસ વિભાગના નજર હેઠળ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાબા પર પણ કોઈ પથ્થર કે કોઈ અન્ય વસ્તુઓ હોય તો તેની પણ તકેદારી રાખવામાં આવી છે અને ડ્રોનથી સર્વેલંસ કરવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની ટુકડી પણ ગોઠવવામાં આવી છે. પોલીસના અધિકારીઓને પણ કડક બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. રામનવમીના આગલા દિવસે રાત્રિના સમયે એસપી ભગીરથસિંહ જાડેજાએ પોલીસ સ્ટાફ અને એસઆરપી ટુકડી સાથે ફૂટમાર્ચ જ કર્યું હતું.
જ્યારે માધવપુરના મેળામાં સતત પાંચ દિવસ સુધી પોરબંદર જિલ્લા પોલીસ 24 કલાક રહેશે અને 75 જેટલા પોલીસ અધિકારી અને 1,000 જેટલા હોમગાર્ડસના જવાનોની ફાળવણી કરવામાં આવી છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન સર્વેલંસ અને મિસિંગ સેન્ટર બનાવવામાં આવશે. મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના બનાવો ના બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત માધવપુરના બીચ પર રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોડેસવાર પોલીસ પણ રહેશે. આ ઉપરાંત મહિલાઓની કોઈ છેડતીના બનાવ ન બને તે માટે શી ટીમ પણ ગોઠવાઇ છે. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાને ધ્યાને રાખી ચાર અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યાં પણ પોલીસ જવાનો જ રહેશે. આ ઉપરાંત માંગરોળથી પોરબંદર આવતા રોડ પર ટ્રાફિક કંટ્રોલ માટે પણ ખાસ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકો શાંતિથી મેળો માણી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમ પોરબંદર જિલ્લા પોલીસના વડા એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.