કચ્છ: નવરાત્રીના નોરતા પૂર્ણ થતાની સાથે જ કુંભાર દિવાળી પર્વ માટે દીવા બનાવવાની શરુઆત કરી દેતાં હોય છે. દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજમાં કુંભાર રાતદિવસ કામ કરીને વિવિધ વેરાયટીના દિવડા બનાવી રહ્યા છે. જોકે કમોસમી વરસાદ વરસતા કામમાં થોડી તકલીફ પડી રહી હોવાની વાત દીવા બનાવતા કુંભારે જણાવી હતી.
આજે પણ હાથથી બનાવાય છે દીવડાઓ: નવરાત્રી પૂર્ણ થતાંની સાથે જ લોકો દિવાળીની ખરીદી શરૂ કરી દેતા હોય છે. ત્યારેે આજના આધુનિક યુગમાં દિવાળીના તહેવારમાં ઘર સુશોભન માટે બજારમાં અવનવી લાઈટસ અને ટ્રેન્ડી દીવાઓ તેમજ મશીનથી બનેલા દીવાઓ તેમજ ચાઇનીઝ લાઇટ્સ જોવા મળતી હોય છે. ત્યારે ભુજના કુંભારવાડામાં રાત દિવસ સખત મહેનત કરીને કુંભાર આજે પણ અવનવી પેટર્નના દીવા તૈયાર કરી રહ્યા છે. ત્યારે કુંભારનું કહેવું છે કે, આજે પણ હાથથી બનાવેલા દીવડાઓની માંગ અને ક્રેઝ છે.
ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી પેટર્નના દીવડા: બજારમાં ભલેને મશીનના દીવાઓ આવી ગયા છે. પરંતુ કુંભાર દ્વારા આજે પણ હાથથી દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી પેટર્નના દીવા પણ બજારમાં કુંભાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. કુંભાર સૌપ્રથમ માટીને ટીપે છે. ત્યાર બાદ માટીમાંથી દીવાને આકાર આપ્યા બાદ તેને ભઠ્ઠામાં શેકે છે અને ત્યાર બાદ કલર કરીને તેને બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે.
10 રૂપિયાથી 250 રૂપિયા સુધીના દીવડાઓ: સામન્ય રીતે કુંભાર રોજના 400થી 500 દીવડા બનાવવાની કળા ધરાવે છે. પરંતુ હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં મશીન પર બનતા દિવડાઓનું બજાર વધારે હોવાથી ચાકડા પર બનતા દીવડાની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં કુંભાર આ વખતે 3000 જેટલા દીવડાઓ બનાવશે અને 10 રૂપિયાથી લઇને 250 રૂપિયા સુધીમાં વહેંચશે. દિવાળી દરમિયાન કુંભારને 7000થી 9000 રૂપિયાનો ધંધો થતો હોય છે.
સરકાર દ્વારા માટી માટે મદદ કરવામાં આવે તેવી માંગ: ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવડા બનાવવા માટે ચીકલો નામની માટી દરિયાની ખાડીમાંથી લાવવામાં આવે છે. જે કુંભારને 1 ટ્રેકટરમાં 1 ટન જેટલી 3000 રૂપિયાના કિંમતની માટી મળે છે. જે એક વર્ષ સુધી ચાલે છે. પરંતુ આ વર્ષે કુંભારને ખૂબ ઓછા પ્રમાણમાં માટી મળી છે. તેમજ ખનીજ ખાતા દ્વારા લીઝવાળી કોઈ જગ્યા આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા માટી માટે મદદ કરવામાં આવે તેવી માંગ કુંભારે કરી હતી.
માટીકામ કળાને લુપ્ત થતી બચાવવાનો પ્રયાસ: વર્ષ 2001ના ભૂકંપ પહેલાં પૂરા કચ્છમાં 40થી 50 જેટલા કુંભાર કામ કરતા હતા. જ્યાર બાદ કેટલાક કુંભાર અન્ય વ્યવસાયમાં સંકળાયા તો કેટલાક અવસાન પામ્યા હાલમાં કચ્છમાં કુંભારી કામ કરતા માત્ર 8 જેટલા જ કુંભાર બચ્યા છે. આમ તો કચ્છમાં કુંભારી કામ કરવાની કળા 150 વર્ષ જૂની છે. હાલમાં અન્ય કુંભાર તૈયાર માલ રહીને વેંચી રહ્યા છે. ત્યારે ભુજના 60 વર્ષીય કુંભાર અધરેમાન અલીમામદ કે જે 7મી પેઢી તરીકે હાલમાં માટીકામ કરી રહ્યા છે અને કળાને લુપ્ત થતી બચાવી રહ્યા છે.
માટીની તંગી રહેતા 3000 જેટલા જ દીવડાઓ: અવનવી પેટર્નના દીવા બનાવતા કુંભાર અધરેમાને જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ખુશીનો તહેવાર છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પૂર્ણ થતાં જ દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે વરસાદના પગલે માટીની તંગી રહેતા 3000 જેટલા દીવડાઓ બનાવવામાં આવશે. ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી પેટર્નના દીવા બનાવવામાં આવી રહ્યા છે.
વિવિધ પેટર્નના દીવડાઓ: આ વર્ષે કુંભાર દ્વારા બજારમાં અવનવા આકર્ષક દીવડાઓ મૂકવામાં આવશે. જેમાં શંખ આકારના, કચ્છી ઝૂંપડા ભૂંગાના આકારના, નાળિયેરના આકારના, લટકતાં દીવાઓ, પટ્ટી વાળા દિવડા, લાભ શુભ દીવડાઓ, હેન્ડલ વાળા દીવડાઓ, ઓમ અને સાથીયાના દીવડાઓ વગેરે જેવા દીવડાઓ બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત આ દીવડાઓને દિવાળીમાં ઉપયોગમાં લીધા બાદ તેને ઘરમાં સુશોભન માટે પણ રાખી શકાય છે.
આ પણ વાંચો: