રાજકોટ: ગુજરાતમાં બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં પીડિત પરિવારોને યોગ્ય ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રા ગત તારીખ 9 થી મોરબીથી શરૂ થઈ હતી બે દિવસ બાદ આજે રાજકોટ પહોંચતા ઢેબરચોક ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી હતી, અને જેમાં કેટલાક પીડિત પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.
હું એરપોર્ટમાંથી ઉતાર્યો અને ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો ત્યારે જોરદાર વરસાદ હતો, પણ અહીં નથી. સારા કામ માટે નીકળીએ ત્યારે કુદરત પણ સાથ આપે છે. લોકોની તકલીફને સમજવા માટે માત્ર એસીમાં બેસવાથી કે હવાઈ જહાજમાં ફરવાથી નથી સમજી શકાતી ખુદ લોકોની વચ્ચે જઈએ તો જ આપણે પ્રજાના સાચા સેવક કહેવાઈએ. જીજ્ઞેશભાઈ અને લાલજીભાઈએ આ ન્યાય યાત્રાનું બીડું ઉઠવ્યું હતું.
આખી દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થાય તેટલું કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાડા ચાર હજાર કિલોમીટર ચાલીને કોઈ રાષ્ટ્રીય નેતા હોય તો તે રાહુલ ગાંધી છે, જેમને આ યાત્રા કરી છે. ડોક્ટરે તેમને ના પાડી છતાં રાહુલ ગાંધી નફરતનાં બજારમાં મહોબ્બતની દુકાન ખોલવા પગપાળા ચાલ્યા છે. TRP ગેમઝોનમાં નાના-નાના બાળકો બળીને રાખ થયા હતા. પીડિતો માટે સંવેદના હોવી જોઈએ, સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવવા જોઈએ પણ આવું થયું નથી.
રાજકોટવાસીઓને પણ નમન છે કે અમે હાથ જોડીને કહ્યું એટલે તરત બંધ રાખ્યું. સત્તાધીશો પીડિત પરિવારને મળવા તૈયાર નહોતા પણ બંધ પછી સામે ચાલીને બોલાવ્યા. પાપનાં ઘડામાં આવેલા એક-એક પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવીશું. વધુમાં સંબોધતા તેમણે કહ્યું કે, બજેટમાં પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે અને ખેડૂતોનાં ટ્રેક્ટર, બિયારણ અને ખાતર પર GST ઘટાડયું નથી આ કેટલું યોગ્ય ? ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પત્ર લખી આરોગ્ય વીમા પરનો 18% GST દૂર કરવા કહેવું પડ્યું.
કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકે લડે છે પણ સત્તા આવે તો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખશે. આજે લોકોની પીડા સરકાર સમજતી નથી જેને લઈ કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈ સહિતનાઓએ ન્યાય યાત્રા શરૂ કરી છે. ગુજરાત બહારના લોકો પણ સામે ચાલીને આ યાત્રામાં જોડાયા છે તેમને નમન કરું છું. લોકશાહી વ્યવસ્થા ઉત્તમ હોય છે છતાં લોકો કહે છે કે, રામરાજ્ય આવે તો સારું. રામ ઝૂપડે ઝૂપડે જઈને લોકોનો અવાજ સાંભળતા હતા. જ્યાં પણ જનતા અને લોકોની તકલીફ હશે ત્યાં કોંગ્રેસનો એક-એક સભ્ય લોકોની વચ્ચે જઈને લડતો જોવા મળશે. કોંગ્રેસની વિચારધારામાં રાષ્ટ્રહિત અને દેશની ભાવના દિલમાં હોય છે. ભાજપના લોકોએ વર્ષો સુધી રાષ્ટ્રધ્વજને સ્વીકાર્યો નહોતો, પણ હવે તિરંગા યાત્રા કાઢવી પડે છે.