ગાંધીનગર : ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. ગાંધીનગર શહેર અને એક પછી એક ગામોમાંથી પાણીજન્ય કોલેરાના કેસ પ્રકાશમાં આવ્યા છે. રોગચાળો જીવલેણ સાબિત થાય તે પહેલા સુપર ક્લોરીનેશન કરીને જ તમામ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે તે અંગે DDO દ્વારા સ્થાનિક તંત્રને સુચના આપવામાં આવી છે. પરંતુ આ સૂચના પ્રમાણે પાણીનું ક્લોરીનેશન થતું નથી, જે તાજેતરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા ટેસ્ટીંગમાં સામે આવ્યું છે.
સુપર કલોરીનેશનની કામગીરી : ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા તાજેતરમાં ગામે ગામ જઈને પાણીજન્ય રોગચાળો ડામવા પગલા લીધા હતા. DDO દ્વારા સ્થાનિક તંત્રને સુચના આપી હતી કે, સુપર ક્લોરીનેશન કરીને જ તમામ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે. તાજેતરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાણી પુરવઠો આપવામાં આવે છે તે ઓવરહેડ ટાંકી, સંપ સહિતી જગ્યાએથી સેમ્પલ લઈને ત્યાં જ કીટ મારફતે ચેકીંગ કરવામાં આવ્યું હતું.
44 ગામોને નોટિસ : ગાંધીનગર જિલ્લાના ગામોમાંથી કુલ 282 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 44 જેટલા સેમ્પલ ફેલ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય તંત્રએ વહીવટી તંત્રનું ધ્યાન દોરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ ગામોને નોટિસ ફટકારીને પાણીનું સુપર ક્લોરીનેશન કરીને જ પુરવઠો પૂરો પાડવા માટે તાકિદ કરવામાં આવી છે.
રોગચાળાએ માથુ ઉચક્યુ : ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ગાંધીનગર, દહેગામ અને કલોલમાંથી કોલેરા જેવા કેસ સામે આવ્યા છે. અન્ય તાલુકામાં પણ ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ જેવા કેસ સામે આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં નોંધાયેલા કોલેરાના કેસનો આંકડો 13 થયો છે. તેજ રીતે ટાઇફોઇડ રોગચાળાના 7 જેટલા કેસ નોંધાયા છે. જોકે સરકારી હોસ્પિટલ કે સામુહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરતા ખાનગી હોસ્પિટલ તેમજ દવાખાનામાં પાણીજન્ય રોગના કેસમાં ગંભીર વધારો નોંધાયો છે.
DDO દ્વારા સૂચના : ચોમાસાના આગમન બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બને અને પરિસ્થિતિ કંટ્રોલ બહાર જાય નહીં, તે માટે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અશોક વૈષ્ણવને તમામ ગામોમાં આપવામાં આવતા પાણીમાં ક્લોરિનેશનની માત્રા ચેક કરવા દર ગુરૂવારે ડ્રાઈવ ચલાવવાની સુચના આપી હતી. જિલ્લાના 44 ગામના પાણીના સેમ્પલમાં કલોરીનેશનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ ગામના સેમ્પલ ફેલ : તાલુકાવાર જોઈએ તો સૌથી વધુ ગામોમાં ગાંધીનગર તાલુકાના 14, દહેગામ અને માણસા તાલુકાના 13-13 ગામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા કલોલ તાલુકાના 4 ગામોનો સમાવેશ થાય છે. આ ગામના સરપંચ અને તલાટીને પીવાના પાણીમાં સુપર કલોરીનેશન કરવાની સૂચના આપી છે. ઉપરાંત અમુક ગામોમાં સુપર કલોરીનેશન કેવી રીતે કરવું તેની પણ જાણકારી આપવામાં આવી હતી.