ભાવનગર: ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. પરંતુ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આવતા ખેડૂતોને સરકારના ટેકાના કેન્દ્રનો લાભ મળી રહ્યો નથી. ખેડૂતો ના છૂટકે સામાન્ય બજારમાં યાર્ડમાં મગફળી વહેંચી રહ્યા છે. જો કે ભાવનગર યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ સૌથી વધુ મગફળીની આવક થઈ છે.
યાર્ડમાં ગત વર્ષ કરતા વધુ મગફળીની આવક પણ ભાવ નહિં
યાર્ડના જવાબદાર કર્મચારી રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ વખતે ગત વર્ષ કરતા વિપુલ પ્રમાણમાં મગફળીની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 33,411 ક્વિન્ટલ મગફળીની આવક અત્યાર સુધીમાં થઈ ગઈ છે.
ગત વર્ષમાં આજ તે મહિનામાં 19,928 ક્વિન્ટલની આવક હતી. ભાવની વાત કરીએ તો ગત વર્ષમાં ભાવ સરેરાશ 7,175ના રહ્યા હતા. આ વર્ષે ભાવ સરેરાશ 6855 ક્વિન્ટલ અત્યાર સુધીમાં રહેવા પામ્યા છે. આજ મહિનામાં મગફળીની આવક 32 હજાર ગુણીની આવક થઈ છે, જેના ભાવ સરેરાશ 900 રૂપિયા થી લઈને 1800 રૂપિયા જેવા છે.
''અમે 8 વિઘામાં મગફળીની વાવણી કરી હતી, તેમાંથી 80 મણ થઈ અને ઉતરી 10 મણ અને અહીંયા 1100 જેવો ભાવ આવે છે. સિહોરનું યાર્ડ બંધ છે. અમારી અધોગતિ થઈ અહીંયા ટેકાના ભાવે ખરીદી બંધ છે''. -પોપટભાઈ મોરી, ખેડૂત, કાજાવદર
સરકારે ટેકાનું કેન્દ્ર ફાળવવું જોઈએ
''ટેકાનું કેન્દ્ર ખરેખર અહીં ભાવનગરમાં હોવું જોઈએ, ખેડૂતો બહુ હેરાન અને પરેશાન થાય છે, એટલે કેન્દ્ર તો ભાવનગર જ હોવું જોઈએ. તેનાથી ટેકાના ભાવે મગફળી વહેંચવા આવતા ઘણા ખેડૂતોને ફાયદો થાય. અત્યારે આ બજારભાવ કંઈ ન કહેવાય 900 થી 1100 રૂપિયાના બજાર ભાવ અત્યારે બોલાય છે. ખેડૂતને આમાં કોઈ પોષણક્ષમ ભાવ ના કહેવાય. વિઘે 10 થી 15 મણ માંડ ઉતારો આવે છે, એટલે અમારી સરકારને વિનંતી છે કે, ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ફાળવવું જોઈએ''. -દેવસંગભાઈ પરમાર, ખેડૂત, ખાંભા
ટેકાના ભાવે મગફળી ખરીદતી કંપનીનો જવાબ
ભાવનગર જિલ્લામાં ચાર સ્થળો ઉપર ટેકાના ભાવે ખરીદી શરૂ છે. ઇન્ડિયાગ્રો કંપની દ્વારા ખરીદી થઈ રહી છે, ત્યારે ઇન્ડિયાગ્રો કંપનીના ટેકાના કેન્દ્રના સંચાલક વિજયભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર યાર્ડમાં અન્ય પાકની આવક વધુ હોવાથી જગ્યા નથી અને ત્યાં માત્ર 40 જેટલું રજિસ્ટ્રેશન થયું હતું એટલે કેન્દ્ર ખોલ્યું નથી. હાલ પાલીતાણા, તળાજા, ગારીયાધાર અને મહુવામાં કેન્દ્ર 11 નવેમ્બરથી નિયતપણે શરૂ છે. જ્યાં 1356ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.