જુનાગઢ: આજે નિર્જળા એકાદશી છે. આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશી કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળતું હોવાની આ સાથે ધાર્મિક વાયકા પણ જોડાયેલી છે. વધુમાં નિર્જળા એકાદશી સાથે દાનનો પણ વિશેષ મહત્વ જોડાયેલું છે.
જેઠ શુભ અગિયારસ: જેઠ સુદ અગિયારસ એટલે કે આજે નિર્જળા એકાદશી છે. આજના દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને એકાદશીનું વ્રત કરવામાં આવે તો તેના થકી પ્રત્યેક સાધકને તમામ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળતું હોય એવું માનવામાં આવે છે. નિર્જળા એકાદશી સાથે અન્ય લોક વાયકા પણ જોડાયેલી છે. તમામ પ્રકારના દાનો આપવાથી જે ફળ દાનવીરને પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી પણ પ્રાપ્ત થાય છે. એટલે જ નિર્જળા એકાદશીને તમામ એકાદશીઓમાં સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નિર્જળા એકાદશી એટલે ભીમ અગિયારસ: મહાભારત કાળ સાથે પણ નિર્જળા એકાદશીનું સંયોગ જોડાયેલો છે. પાંડવો, ભીમને બાદ કરતા એકાદશીનું વ્રત કરતા હતા, પરંતુ નિર્જળા એકાદશીનો નકોરડો ઉપવાસ કરવો પાંડવો પૈકી ભીમ માટે ખૂબ જ મુશ્કેલ હતો. પાંડવો વર્ષની 24 એકાદશીનો ઉપવાસ કરતા હતા, પરંતુ ભીમે જેઠ સુદ એકાદશીનો નકોરડો ઉપવાસ કરીને મહર્ષિ વ્યાસ દ્વારા આપવામાં આવેલી આજ્ઞાનું પાલન કર્યું હતું . ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ અગીયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જળા એકાદશીનું ઉપવાસ કરવાથી પૂણ્ય પ્રાપ્ત થાય છે, સાથે સાથે નિર્જળા એકાદશી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય તેમજ વિજય વગેરે પણ અપાવનારી હોવાને કારણે હિન્દુ ધર્મમાં નિર્જળા એકાદશીનું ખૂબ જ ધાર્મિક મહત્વ આજે પણ જોવા મળે છે.