જામનગર: જિલ્લાના દરેડ GIDCમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારના 9 વર્ષના બાળકને માતાએ સાયકલ ચલાવવા જેવી નજીવી બાબતે ઠપકો આપતા પુત્રએ ગળે ફાંસો ખાઇને મોતને ગળે લાગ્યો હતો. આ બાબતે ખબર પડતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો: મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, દરેડ GIDC ફેસમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો 9 વર્ષીય લક્કી કમલ જાટ નિત્યક્રમ મુજબ ગઇકાલે સવારે સાયકલ ચલાવવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. જેથી તેની માતાએ સાયકલ ચલાવવાની ના કહેતા બાળકને મનમાં ખોટું લાગી આવ્યું હતું. ત્યારબાદ તેણે ઓરડીમાં જઇને પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો: પરિવારજનોની નજરે આ ઘટનાની જાણ થતાંં તેઓએ 9 વર્ષીય લક્કીને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડૉક્ટર તેને તપાસ કરી અને તેને સારવાર આપે તે પહેલાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ બનાવની જાણ થતાં ઇન્ચાર્જ પીએસઆઇ એ. કે. પટેલ અને શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. બાળકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.