ગોધરા: તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષા દરમિયાન ગોધરામાં સારા માર્કસ સાથે પાસ કરાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષકુમારને મળેલી બાતમીના આધારે જય જલારામ સ્કૂલ પર દરોડો પાડતાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ, વડોદરાની રોય ઓવરસીઝના માલીક તથા ગોધરાના એક લઘુમતી કોમના રાજકારણીના મેળાપીપણાંનું સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ તપાસ દરમિયાન વડોદરામાં રહેતા ગોધરાના શિક્ષકની કારમાંથી સાત લાખ રોકડા પણ મળી આવ્યા હતાં, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો હતો.
શું હતો સમગ્ર મામલો: સૂત્રોના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષકુમારને ગત તારીખ પ મેના રોજ બાતમી મળી હતી કે, ગોધરાના પરવડી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કુલમાં લેવાનારી નીટની પરીક્ષામાં સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક તુષાર ભટ્ટ ગેરરીતી આચરનાર છે. આ સૂચનાના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કિરીટકુમાર મણીલાલ પટેલે ત્રણ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડયો હતો. આ દરમિયાન જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર મહિપાલસિંહ ડી. ચુડાસમા પણ પહોંચી ગયા હતા. તેઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જઈને સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ કેતકીબેન પટેલ તથા તેઓની ટીમને પરીક્ષાલક્ષી કામગીરી રાબેતા મુજબ કરવાની જાણ કરી હતી. જ્યારે ડે. સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર રજનીકાન્ત ભટ્ટની પોલીસની ટીમની હાજરીમાં જ પૂછપરછ કરવામાં આવી હતી. જેનો લેખીત અહેવાલ કલેક્ટરને મોકલી આપવામાં આવ્યો હતો.
તુષાર ભટ્ટ પાસેથી ખુલતી ગઈ કડીઓ: તુષાર ભટ્ટની તપાસ દરમિયાન તેની પાસેથી બે મોબાઈલ મળી આવ્યા હતા. જેમાંથી કેટલીક સ્ફોટક વિગતો મળી આવી હતી. પરશુરામ રોય નામથી સેવ કરેલ વોટ્સએપ ગ્રુપમાં 16 નામો, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રના સરનામા વગેરે નીટના પરીક્ષાર્થીઓની વિગત મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતાં પરશુરામ રોય વડોદરાની રોય ઓવરસીસના માલીક હોવાનું જણાવ્યું હતું. મેસેજમાં જણાવેલ ઉપરોક્ત નામવાળા વિદ્યાર્થીઓ તમારી સ્કુલમાં પરીક્ષા આપવા બેસનાર છે, જેમના પેપર સોલ્વ કરી આપવાના પરીક્ષાર્થી દીઠ રૂપિયા દસ લાખ લેવાના નક્કી થયા હતા. આવુ જ અન્ય એક વીસ નામવાળુ પરીક્ષાર્થીઓનું લીસ્ટ મળી આવ્યુ હતુ. જેમાંથી છ પરીક્ષાર્થીઓના નામ નીચે લાલ બોલપેનથી લીટી દોરી માર્કીંગ કરેલા મળી આવ્યા હતા. આ યાદી ગોધરાના આરીફ વોરા દ્વારા આપવામાં આવી હતી.
પરીક્ષાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી: જેમાં પરીક્ષાર્થી મેરીટમાં આવે તે માટે પ્રત્યેક પરીક્ષાર્થી દીઠ દસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેના ભાગ રૂપે જ સાત લાખ રોકડા આપવામાં આવ્યા હતા. જે તેની સ્વિફ્ટ ડીઝાયર કારમાં મૂકવામાં આવ્યા હતા. જેના આધારે તમામ દસ્તાવેજ કબ્જે કરીને જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ હોવાથી તુષાર ભટ્ટને નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું હતુ. ગઇકાલે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તુષાર રજનીકાંન્ત ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલીક પરશુરામ રોય તથા ગોધરાના આરીફ વોરાની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા પોલીસ વડોદરાના ગેંડા સર્કલ પાસેથી પરશુરામ રોયની પણ અટકાયત કરીને ગોધરા પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
બે આરોપીને રાજસ્થાનથી ઝડપ્યા: જ્યારે અન્ય આરોપીઓ તુષાર ભટ્ટ અને આસિફ વોરા ફરાર હતાં. જો કે પોલીસે આરોપી પરશુરામ રોયને કોર્ટમાં રજૂ કર્યો હતા જ્યાં કોર્ટ દ્વારા તેમના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.જેમાં ગુનાની તપાસ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલ કરી રહ્યા છે. આ ગુનાની તપાસના કામે પકડવાના બાકી આરોપીઓ તુષાર રજનીકાંત ભટ્ટ અને આરીફ નુરમોહમદ વ્હોરાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. બંન્ને આરોપીઓની હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ: હાલ બંને આરોપીઓ ગુનો રજીસ્ટર થવાથી ધરપકડ ટાળવા ભાગી ગયેલા હોય અને આરોપીઓ ક્યા-ક્યા ગયેલ અને આ ગુનાના કામે પકડાયેલ આરોપી રોય તેમજ અન્ય કોણ-કોણ આરોપીઓ સંડોવાયેલ છે તેમજ ગુનાના કામે અન્ય અગત્યના પુરાવાઓ મેળવવા ઘનિષ્ઠ પૂછપરછની કાર્યવાહી હાથ ઘરવામા આવી રહી છે.