નવસારીઃ જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના ચોરામલાભાઠા અને કણીયેટ ગામોમાં લાંબા સમયથી પાણી સમસ્યા છે. જૂથ યોજના હેઠળ પીવાનું પાણી મેળવતા આ ગામોમાં અઠવાડિયાથી પાણી ન આવતા આજે ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પાણીના ખાલી બેડા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હલ્લો મચાવ્યો હતો. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી, પાણી સમસ્યાના કાયમી સમાધાનની માંગણી કરી હતી.
છેલ્લા 5 વર્ષથી સમસ્યાઃ નવસારીના જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના ચોરામલાભાઠા અને કણીયેટ ગામમાં જૂથ પાણી યોજના કાર્યરત છે. છેલ્લા 5 વર્ષોથી આ ગામોમાં અનિયમિત પાણી આવવાથી ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. રોજિંદા કામકાજ માટે ગ્રામિણો દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ પીવાનુ શુદ્ધ પાણી તેમણે વેચાતું લેવાની સ્થિતિ આવી છે. જેમાં છેલ્લા અઠવાડિયાથી ગામમાં રોટેશન પ્રમાણેનું પાણી ન આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.
અધિક કલેકટરને આવેદન પત્રઃ ગ્રામ પંચાયતની ચૂંટણી ન થવાને કારણે ગામની શાસન ધૂરા તલાટીના હાથમાં છે. વર્ષોથી પાણીની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆતો, છતાં પણ ચોરમલાભાઠા અને કણીયેટના ગ્રામજનોની વ્યથા સમજવા કોઈ તૈયાર નથી. ત્યારે આજે બંને ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ પાણીના ખાલી બેડા લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હલ્લો બોલાવ્યો હતો. અહીં મહિલાઓએ પાણી માટે સૂત્રોચાર કર્યા હતા. સાથે જ જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર આપી વર્ષોની પાણી સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ કરી છે.
છેલ્લા કેટલા સમયથી અમારા વિસ્તારમાં પાણી માટે વલખાં મારવા પડે છે. અમે ઘર વપરાશ માટે દરિયાના પાણી ઉપયોગ કરીએ છીએ. જેનાથી અમને ચામડીના રોગો થવાની પણ સંભાવના છે, છતાં અમે આ પાણી ઉપયોગ કરવા માટે મજબૂર છીએ. જ્યારે પીવાનું પાણી અમે વેચાતું લાવીને પીએ છીએ પરંતુ અમારી આ સમસ્યાનો કાયમી નિરાકરણ આવે એ માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યુ છે...કલાવતી ટંડેલ(સ્થાનિક, ચોરમલાભાઠા, જલાલપોર)
સમગ્ર સમસ્યા સંદર્ભે અમે સ્થળ પર જઈને તપાસ કરી છે. પાણીનો યોગ્ય જથ્થો અમારી પાસે છે. ગામ લોકોને વધુમાં વધુ પાણીનું વિતરણ કરી શકાય તે માટે 20 hpની મોટર ઉતારીને 2 દિવસમાં પાણી પુરવઠો નિયમિત કરવામાં આવશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટેના પ્રયત્નો સત્વરે હાથ ધરવામાં આવશે...આશા પટેલ(પાણી પુરવઠા અધિકારી, નવસારી)