નવસારી: શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. મેઘરાજાએ આકાશમાંથી વરસાવેલી મહેર હવે લોકો પર કહેર બનીને ત્રાટકી છે. નવસારી શહેર માટે એસડીઆરએફની 46 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂર્ણા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
48 કલાકથી વરસાદઃ નવસારીમાં 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગતરોજ મોડી રાતથી નવસારીમાં જાણે મેઘ તાંડવ હોય એવી સ્થિતિ થઈ છે. નવસારી સહિત ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય 3 નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રણે નદીઓ ભયજનક જળ સપાટીની નજીક પહોંચી છે. નદીઓમાં પાણીની આવક વધતા જિલ્લાની ખાડીઓ અને નાળાઓમાં પણ પાણી વધ્યા છે. જેના કારણે નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 78 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર દ્વારા નવસારી જિલ્લાની આંગણવાડીઓ શાળાઓ કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ઘરો પાણીમાં ગરકાવઃ નવસારીમાં અવિરત વરસી રહેલા વરસાદે હવે આફત સર્જી છે. સતત વરસાદના કારણે નવસારી શહેરના વિજલપુરનું બાબા ઈશિત તળાવ જેનું હાલ ગંગા તળાવ નામકરણ કરાવ્યું છે તે ઓવરફ્લો થતાં નજીકની ચંદનવન સોસાયટીમાં તળાવનું પાણી ફરી રહ્યું છે. જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી છે. કેટલાક લોકોના ઘરોમાં પણ આ પાણી ઘુસ્યું .છે જો કે સમગ્ર મુદ્દે સ્થાનિક રહેવાસી અને પાલિકાના નગરસેવક જગદીશ મોદીએ પાલિકા કામગીરી કરી હોવાનું જણાવી રહ્યા છે. પાલિકાએ 10 કરોડ રૂપિયાના ખર્ચે ઉપરના ગામડાઓમાંથી આવતા પાણીના નિકાલ માટે ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી છે જે આ વર્ષે પૂર્ણ થતા કદાચ આવતા વર્ષે આ સમસ્યા ન રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
પૂર્ણા નદીમાં પુરની શક્યતાઃ નવસારી શહેરમાં હવે વરસાદ આફત બની રહ્યો છે. શહેરની નજીકથી પસાર થતી પૂર્ણા નદીમાં પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. દશેરા ટેકરીના રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ વિસ્તારમાંથી 30થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ તેમના રહેવા અને રાત્રી ભોજનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે વર્ષોથી આ વિસ્તારમાં પૂર્ણા નદી સંલગ્ન પૂરની સ્થિતિ થઈ જાય છે અને શ્રમિક વર્ગના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પાલિકાએ પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે પણ અહીં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રેડ એલર્ટનો 3જો દિવસઃ નવસારીમાં અવિરત વરસી રહેલો વરસાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ નવસારીના ઉપર વાસના સુરત અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નવસારીની લોકમાતાઓના જળસ્તરમાં વધારો થવાથી કાંઠાના ગામડાંઓ અને શહેરના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે કારણ કે નવસારી શહેર નજીકથી પસાર થતી પૂર્ણા નદી 23 ફૂટે પહોંચી છે. જે એના ભયજનક સપાટીથી ફક્ત 5 ફૂટ નીચે છે. જેની સાથે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકા દ્વારા વાહનો ફેરવી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે. નવસારીમાં રેડ એલર્ટનો આજે 3જો દિવસ છે ત્યારે સતત વરસાદ જો વરસતો રહેશે તો શહેરની સ્થિતિ કફોડી બને એવી સંભાવના નકારી શકાય એમ નથી.
કુલ 233 લોકોનું સ્થળાંતરઃ જિલ્લા કલેકટર ક્ષીપ્રા આગ્રે જણાવ્યું હતું કે, છેલ્લા 36 કલાકમાં નવસારી જિલ્લામાં 167 એમએમ વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદના કારણે 233 લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. જેમના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને એસડીઆરએફની ટીમને તયનાત કરવામાં આવી છે. જિલ્લામાં 6 સ્ટેટ રોડ બંધ કરવામાં આવ્યા છે. 72થી 80 જેટલા પંચાયતના રોડ પણ બંધ કરવામાં આવ્યા છે. તમામ તાલુકાઓમાં નોડલ ઓફિસર અને ટીડીઓ સહિતની ટીમો સ્ટેન્ડબાય છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. આજે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી હતી પરંતુ આવતીકાલે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. કોઈપણ અફવાથી બચવું અને કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો લોકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.