નવસારીઃ મહારાષ્ટ્રના સોલાપુરથી નવસારી LCBએ ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારને ઝડપી લીધો છે. આ ચોરની ધરપકડથી નવસારીમાં ગત મહિનામાં 2 દિવસમાં થયેલ 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં 38 ચોરીઓ કરી ચૂક્યો છે.
સતત 1 મહિનો પોલીસની મથામણઃ નવસારી જિલ્લાના નવસારી અને બીલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં 2 જ દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી. નવસારી ટાઉન, બીલીમોરા પોલીસ તેમજ જિલ્લાની LCB ટીમો આ ચોરીનો ભેદ ઉકેલવા અને ચોરને ઝડપી લેવા સતર્ક બની હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી, ચોરી કરવાની મોડસ ઓપરન્ડીનો સ્ટડી કર્યો ત્યારે માલૂમ પડ્યું કે એક જ રીતે ચોરી થછે. જેથી પોલીસે ત્રણેય ચોરીઓના પુરાવા તેમજ ચોરીની પેટર્ન ઉપર પણ ફોકસ કર્યુ હતું. ગુનેગારોનો તેમનો ડેટાબેઝ પણ ચકાસ્યો હતો. પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ચોરની ઓળખ કરી લીધી હતી. ચોરને પકડવા 1 PSI સાથે 4 પોલીસ કર્મચારીઓની ટીમ મહરાષ્ટ્રના સોલાપુર મોકલી હતી. સતત 1 મહિનાની મહેનત બાદ પોલીસે ઘરફોડ ચોરીના રીઢા ચોર 30 વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો છે.
ચોરની કબૂલાતઃ પોલીસે આરોપીને નવસારી લાવી તેની કડકાઈથી પૂછપરછ કરતા તેણે નવસારી અને બીલીમોરા શહેરમાં કરેલી ચોરીની કબુલાત કરી લીધી છે. પોલીસે આરોપી લખન પાસેથી 7 તોલા સોના અને ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તેમજ 1500 રૂપિયા રોકડા મળી કુલ રુપિયા 4.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરે છેલ્લા 15 વર્ષમાં કર્ણાટકમાં 24, મહારાષ્ટ્રમાં 12 અને આંધ્ર પ્રદેશમાં 2 ચોરીઓ કરી છે. ત્રણેય રાજ્યોમાં આ ચોર 5 વાર જેલની હવા ખાઈ ચુક્યો છે.
મોડસ ઓપરન્ડીઃ ઘરફોડ ચોરીનો શાતીર ચોર લખન પોતે એકલો જ ચોરી કરતો હતો. તે શર્ટમાં એક નાના સળિયાને સંતાડી અલગ અલગ વિસ્તારમાં રેકી કરતો હતો. જ્યારે પણ તે ચોરી કરવા જાય ત્યારે પોતાના મોઢા ઉપર કપડું નાખી ચોરીને અંજામ આપતો હતો. એકવાર જે રાજ્યમાં ચોરીને અંજામ આપતો તે રાજ્યમાં ફરી ચોરી કરવા જતો નહતો. પોલીસના હાથે ના ચડી જવાય તે માટે ખાસ કાળજી રાખી પોતાનો મોબાઈલ પણ ચોરીના સમયે ઉપયોગમાં લેતો ન હતો. ચોરી બાદ બસ અથવા અન્ય વાહન મારફતે જે તે સ્થળેથી ફરાર થઈ જતો હતો.
આરોપી લખને પહેલીવાર જ ગુજરાતમાં આવીને નવસારી જિલ્લામાં ચોરી કરી હતી. તેણે 3 અલગ અલગ જગ્યાએ ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર બાબતે એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. એલસીબી પોલીસે સરાહનીય કામગીરી બજાવી મહારાષ્ટ્રના સોલાપુર જઈને તેની ધરપકડ કરી છે. આરોપી લખન પાસેથી ₹4,00,000 થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યમાં ગુનાઓ નોંધાયા છે. જેમાં કર્ણાટકમાં 24, મહારાષ્ટ્રમાં 12 આંધ્રપ્રદેશમાં 2 અને ગુજરાતમાં 3 એમ કુલ મળીને તેના પર 41 જેટલા ગુનાઓ અત્યાર સુધી નોંધાયેલા છે... સુશીલ અગ્રવાલ(પોલીસ અધિક્ષક, નવસારી)