નવસારી: સમગ્ર રાજ્યમાં વરસાદના પાણી ક્યાંક આશીર્વાદ તો ક્યાંક શ્રાપ બનીને વરસી રહ્યા છે. નવસારીમાં વરસાદી પાણી શ્રાપ સાબિત થયા છે. 2 દિવસ અગાઉ સર્જાયેલી પૂરની સ્થિતિએ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. અનેક લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પૂરની પરિસ્થિતિમાં 2 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
પૂર્ણા નદીની જળસપાટી 30 ફૂટઃ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીની લોકમાતા પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા તેની જળસપાટી 30 ફૂટ ઉપરની થઈ હતી. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ઘુસ્યા હતા. જેમાં શાંતાદેવી રોડ, મિથિલાનગરી, ગધેવાન, મુલ્લાની વાડી વગેરે વિસ્તારોમાં 7થી 8 ફૂટ જેટલા પાણી આવતા અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં 35,000થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. અને નવસારી શહેરના 12 જેટલા વિસ્તારો પાણીમાં ગરક થયા હતા. લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળે હિજરત કરવી પડી હતી. 2004 બાદ આવેલી આ પુર એ નવસારીમાં વિનાશ વેર્યો છે. જેમાં અનેક લોકોની કીમતી ઘરવખરી પાણીમાં તણાઈ જવાના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શું સ્થિતિ છે અસરગ્રસ્તોની?: નવસારીમાં પૂર્ણા નદીના રોદ્ર રૂપથી સર્જાયેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર ખાડા, ભેંસદ ખાડા, મિથિલા નગરી રૂસ્તમવાળી, શાંતાદેવી રોડ જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. એપીએમસી સામેના મુલ્લાની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોના માથે આભ તુટી પડ્યું છે. ઘરમાં 7 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં અભ્યાસના પુસ્તકો સહિત તમામ ઘરવખરી પલણી ગઈ છે. ઘરકામ કરીને જીવન વ્યતીત કરતા આ પરિવારની પરિસ્થિતિ કફોડી બની છે. જેમતેમ કરીને દીકરીના અભ્યાસ માટે પુસ્તકો લીધા હતા એ પણ પલડી ગયા. જ્યારે ઘરમાં પલંગ, કપડા સહિતનો સામાન પલળી જતા આર્થિક નુકસાની વેઠવી પડી છે.
ઘરની દશા જોતા જ રડી પડ્યાંઃ જ્યારે ભેંસત ખાડા વિસ્તારમાં રહેતા ગીતાબેન દંતાણીનું ઘર પણ પૂરના પ્રકોપમાં જળમગ્ન થતાં તેઓ નિરાધાર બન્યા છે. પૂરના પાણી આવવાની જાણ થતા અડધી રાત્રિ દરમિયાન પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા હતા. પૂરના પાણી 3 દિવસ બાદ ઉતરતા તેઓ પરત ઘરે આવ્યા ત્યારે પોતાના ઘરની દશા જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હાલ તો આ શ્રમિક પરિવારો સરકાર અને તંત્ર યોગ્ય સર્વે કરી સહાય રૂપ બને તેવી આશા રાખી રહ્યા છે.