અમદાવાદ : નવરાત્રી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી માટે કપડાં ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં ચણિયાચોળી માટે સૌથી મોટી બજાર મનાતા લો ગાર્ડન બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણાં, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે.
લૉ ગાર્ડન ચણિયાચોળી બજાર : અમદાવાદ લૉ ગાર્ડન ચણીયા ચોળી બજારમાં નવરાત્રીમાં નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટ ફીટ જોવા મળી રહ્યા છે. નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા, યુવાનો માટે કુર્તા-પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે.
ચણિયાચોળીના બજાર ભાવ : લો ગાર્ડન બજારમાં 3 થી 8 વર્ષના બાળકોના કપડાં 400 થી લઈને 1 હજાર રૂપિયા સુધીની કિંમતના છે. જ્યારે 8 થી 12 વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડા 1 હજારથી 1500 રૂપિયા સુધીના જોવા મળે છે. છોકરાઓ માટે 800 થી લઈ 1500 સુધીના કુર્તા-પજામા, જ્યારે છોકરીઓ માટે 1200-1500 થી માંડીને 4 હજાર સુધીની ચણિયાચોળી લો ગાર્ડન બજારમાં જોવા મળી રહી છે.
લેટેસ્ટ ટ્રેન્ડ શું ? દર વખતે નવરાત્રીના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષે લોકો સાથે સીધી વાત કરતા છોકરીઓ મોટી સંખ્યામાં સિમ્પલ અને વિન્ટેજ ચણિયાચોળી પસંદ કરી રહી છે. જેમાં બ્લાઉઝ અને ચણીયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જોવા મળી રહી છે.
ETV BHARAT સાથે વાત કરતાં જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીએ પણ જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રીમાં વિન્ટેજ ચણિયાચોળીનો વધુ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે જમીની વાસ્તવિકતા પણ એ જ છે. લોકો સાથે વાત કરતા પણ એ જ જાણવા મળ્યું કે આ વખતે છોકરીઓમાં વિન્ટેજ ચણિયાચોળીની વધુ માંગ છે.
પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ : છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પાઘડી પહેરવાનો અનોખો ક્રેઝ રહ્યો છે. ત્યારે લો ગાર્ડન બજારમાં યુવાનો માટે પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જોવા મળી રહી છે, જેની કિંમત 200 થી માંડીને 500 સુધીની છે.
પરંપરાગત ઘરેણાંની માંગ : ટ્રેડિશનલ કપડા સાથે-સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી, છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ અને ટોપી વગેરે મળી રહે છે. જ્યારે બહેનો માટે ચણિયાચોળી, કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જોવા મળી રહી છે.